Category Archives: politics

ચૂંટણીમાં જા‌તિવાદ અને પ્રાંતવાદના ‌વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ

ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો.
૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો.
આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર્ણ બાદબાકી કરી નાખી. ઊલટું, ભ્રષ્ટાચાર, કાળાબજારી, લાઇસન્સરાજ તથા કૌભાંડો વડે દેશના રાજકારણને ખરડી મૂક્યું. ભ્રષ્ટાચારને રાજકારણનો ભાગ ગણાવી તેને સમર્થન આપનાર સૌપ્રથમ રાજકીય આગેવાન ઇન્દિરા ગાંધી હતાં, જેમનાં માટે વિખ્યાત અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ જાહેરમાં કહેલું કે, ‘Indira Gandhi is the fountainhead of all corruption in India’. દેશ પર ઇમરજન્સી લાદી સરમુખત્યારશાહી રાજ ચલાવનાર ઇન્દિરાએ ભ્રષ્ટાચારને એટલી હદે પોષ્યો કે લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર નાબૂદી પહેલી વાર મુખ્ય મુદ્દો બન્યો, જેને આગળ ધરી મોરારજી દેસાઇએ દિલ્લીમાં જનતા સરકાર રચી. દેડકાની પાંચ શેરી જેવી તે સરકારમાં આંતરિક વિખવાદોનો પાર ન હતો, એટલે સરકારનું ટૂંક સમયમાં બાળમરણ થયું. દિલ્લીની ખુરશી પર ત્યાર બાદ ચૌધરી ચરણસિંહ બિરાજ્યા, જેમની પણ સરકાર આંતરિક કાવાદાવા અને સત્તાલોભના વાંકે લાંબો સમય ટકી નહિ. આમ માત્ર ૩ વર્ષના સમયગાળામાં બે સરકારો બદલાઇ. શંભુમેળા જેવી સરકારોના સત્તાપલટાથી ત્રસ્ત બનેલી પ્રજા પાસે બીજો કોઇ રાજકીય આગેવાન નહોતો, એટલે ન મામા કરતાં કહેણો મામો સારો એ ઉક્તિ મુજબ ઇન્દિરા ગાંધીને ફરી દિલ્લીની ગાદીએ બેસવાનો લાભ દેશની પ્રજાએ આપવો પડ્યો. અહીં અન્ડરલાઇન કરવા જેવો મુદ્દો એ કે દેશના નેતાની પસંદગી સિલેક્શનને બદલે મજબૂરીના ધોરણે કરવામાં આવી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ કોઇ પણ જાતની રાજકીય લાયકાત યા પોલિટિકલ મુદ્દા વિના માત્ર સહાનુભૂતિના જોરે વડા પ્રધાન બન્યા. ભ્રષ્ટચારનો દોર તેમણે પણ બોફર્સ કૌભાંડ થકી આગળ ચલાવ્યો, એટલે વી. પી. સિંહે તેમને સત્તામાંથી ઉખાડી નાખવામાં સફળ રહ્યા.
દિલ્લીમાં ત્યાર બાદ એક પછી એક કરીને ઘણી સરકારો બદલાઇ. સત્તાપલટામાં તેમજ સત્તા રચવામાં ભ્રષ્ટાચાર નાબૂદી, હિંદુત્વ, રામમંદિર, જાતિવાદ, પ્રાંતવાદ, ગરીબી હટાઓ વગેરે જેવા મુદ્દાઓ જ કેંદ્રસ્થાને રહ્યા. દેશના આર્થિક, સામાજિક અને ટેક્નોલોજિકલ વિકાસનો મુદ્દો હંમેશાં બાજુએ રહી જવા પામ્યો. લોકસભાની કોઇ ચૂંટણી એ મુદ્દા પર લડાઇ નહિ, કારણ કે વિકાસની ભાષા બોલી શકે અને લોકોના ગળે તે ભાષા શીરાની જેમ સહજતાથી ઉતરાવી શકે તેવા રાજકીય આગેવાનોનો આપણે ત્યાં દુકાળ હતો. આમાં અપવાદ તરીકે નરસિંહ રાવને યાદ કરવા રહ્યા, જેમને દેશના પાતાળમાં ગયેલા આર્થતંત્રને ઉદાર આર્થિક નીતિ વડે નવી ઊંચાઇએ પહોંચાડ્યું. (આ ‘અપરાધ’ કરવા બદલ તેમને ખુદ પોતાની પાર્ટીના સિનિઅર કાર્યકરોએ બહિષ્કૃત કર્યા હતા). સરકારને બાબુશાહી ઢબે નહિ, બલકે કોર્પોરેટ કંપનીની માફક ચલાવી શકાય એનો દાખલો નરસિંહ રાવે બેસાડ્યો, પણ તેમની એ ઉમદા નીતિને આગળ ધપાવવાની દરકાર ત્યાર પછીના કોઇ નેતાએ કરી નહિ. એક મોટું કારણ એ માટે જવાબદાર હતું: ભારતના રાજકારણમાં ધર્મ, જાતિવાદ, પ્રાંતવાદ, પરિવારવાદ જેવા ક્ષુલ્લક મુદ્દાઓ એટલે ઊંડે સુધી પકડ જમાવી ચૂક્યા હતા કે વિકાસને લગતા મૌલિક વિચારોને તેમાં અવકાશ રહ્યો નહોતો. હજી પણ નથી.
આમ છતાં આજે એક નેતાએ નરસિંહ રાવની જેમ વિકાસની ભાષા અપનાવીને રાજકારણમાં સામા પ્રવાહે ઝંપલાવ્યું છે. (રાજકારણમાં વિકાસનું મોડલ કેટલું કારગત નીવડે તેનાં ગુજરાતમાં માનો યા ન માનો જેવાં પ્રેક્ટિકલ ઉદાહરણો તેમણે આપ્યાં છે). માત્ર વિકાસના તેમજ રાષ્ટ્રહિતોના મુદ્દે લોકસભા ચૂંટણી લડાઇ રહી હોવાનું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ભારતના પરંપરાગત રાજકારણને પચાસ વર્ષે પહેલી વાર સુખદ વળાંક મળી રહ્યો છે. શક્ય છે સુપરપાવર બનવાની આપણી સફરમાં એ જ વળાંક ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય.

આપ-બળ કે આપ-ઘાત?

સાત કોઠા જેવાં સતત સંઘર્ષરત સાત સપ્તાહ વીતાવ્યા પછી આમઆદમી પક્ષની સરકાર પડી. ‘આપ’ દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ ખરડો દિલ્હી વિધાનસભામાં મૂકવા માટેનો જંગ હતો. ઉપરાજ્યપાલ નજીબ જંગે એવો ફેંસલો આપી દીધો હતો કે ખરડો ગેરબંધારણીય હોવાથી તેને વિધાનસભામાં મૂકી શકાય નહીં.

કેજરીવાલ અને પ્રશાંત ભૂષણ જેવા  ‘આપ’ નેતાઓને લાગતું હતું કે આ ખરડામાં ગેરબંધારણીય કહેવાય એવું કશું નથી અને ઉપરાજ્યપાલ કેવળ અડચણ ઊભી કરવા ખાતર લકીરના ફકીર બની રહ્યા છે. પ્રશાંત ભૂષણે જાણીતા કાનૂન-બંધારણવિદ્‌ સોલી સોરાબજીને ટાંકીને ખરડાને વાજબી ઠરાવ્યો. અંતે ખરડા પર નહીં, પણ પોતાની મંજૂરી વિના ખરડો રજૂ ન થઇ શકે એવા ઉપરાજ્યપાલના પત્રનો અમલ કરવો કે નહીં એ મુદ્દે મતદાન થયું. તેમાં કેજરીવાલ સરકારની તરફેણમાં ૨૭ અને વિરુદ્ધમાં ૪૨ મત પડ્યા. વેલેન્ટાઇન ડેના દિવસે બનેલા આ ઘટનાક્રમના દિવસે કોંગ્રેસી નેતા અરવિંદરસિંઘ લવલી અને ભાજપી નેતા હર્ષવર્ધન જે રીતે સહિયારા પોઝ આપતા હતા, એ જોઇને લાગે કે અસલી વેલેન્ટાઇન ડે તો ત્યાં જ ઉજવાઇ રહ્યો છે.

વાંધા પર વાંધા

ગૃહમાં કોઇ પણ મુદ્દે મતદાન થાય અને તેમાં સરકારની હાર થાય તો તેના માટે ક્ષોભજનક સ્થિતિ ઊભી થાય. એક રીતે એવું પણ કહી શકાય કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યાર પછી બાંધછોડ કરવા ન ઇચ્છતા માણસ પાસે રાજીનામું આપવાનો વિકલ્પ બાકી રહે. કેજરીવાલે એમ જ કર્યું. એટલે કોંગ્રેસ અને ભાજપના ટીવીચતુરો ઠાવકા મોઢે ટીકા કરવા લાગ્યા કે આ ક્યાં જનલોકપાલ ખરડા પરનું મતદાન હતું? આ તો ખરડો રજૂ કરવો કે નહીં, એ વિશેનો મત લેવાનો હતો. કેજરીવાલે નકામું રાજીનામું આપી દીઘું.

ટીવી સ્ટુડિયોમાં થતી ચર્ચામાં ધડો જાળવવાનું મોટા ભાગના નેતાઓને અઘરું પડે છે. એક કોંગ્રેસી નેતાએ દાવો કર્યો કે કેજરીવાલની સરકારનાં સાત જ અઠવાડિયામાં દિલ્હીના લોકોને શીલા દીક્ષિત સરકારના સુશાસનની યાદ આવવા માંડી હતી. કેજરીવાલ અને ‘આપ’ પાસેથી નવેનવી નૈતિકતા શીખેલા ભાજપે ‘પૂરતી સભ્યસંખ્યા ન હોય તો અમારે સરકાર બનાવવી નથી’ એવું ચૂંટણી પછીનું વલણ પકડી રાખ્યું.

નાગરિકોને ઉઠાં ભણાવવાની કોંગ્રેસ-ભાજપની જૂની પરંપરા પ્રમાણે, ભાજપ માને છે કે તેમના વડાપ્રધાનપદના ઉમેદવારની નૈતિકતા અને દિલ્હી ભાજપની નૈતિકતા, એ બે અલગ બાબતો છે. ભાજપી નેતાઓ કેજરીવાલના ‘નાટક’ની ટીકા કરે છે. નાટકબાજી કોને કહેવાય એ જાણવા માટે તેમણે પોતાના પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર ભણી ઘ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આખા રાજ્યનું વાતાવરણ દુર્ભાવનાથી ડહોળ્યા પછી એકરાર કર્યા વિના કે માફી માગ્યા વિના કરાતા સદ્‌ભાવના ઉપવાસ, થ્રી-ડી અવતાર જેવા પ્રચારતુક્કા અને ‘ચાયપે ચર્ચા’ જેવાં કંઇક ખર્ચાળ નાટકો વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવારના નામે બોલે છે. નૈતિકતાની એટલી જ લ્હાય લાગી હોય તો ભાજપે પહેલાં આ બધા ખેલના રૂપિયા ક્યાંથી આવે છે, એનો હિસાબ આપવો જોઇએ. પરંતુ કોંગ્રેસ-ભાજપ દ્વારા થતું નૈતિકતાનું અને બંધારણપ્રેમનું નાટક આંખ-કાન-મન ખુલ્લાં રાખીને જોનારા સૌને દેખાય એવું છે.

બે તર્કમાળા

કેજરીવાલે રાજીનામું આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે કાચું કાપ્યું છે તેની ગરમાગરમ ચર્ચા ચાલે છે. કોંગ્રેસ-ભાજપ પ્રકારના, ચલતા પુર્જા જેવા રાજકારણીઓ આ વિશે શું માને છે એ ગૌણ બાબત છે. કારણ કે પહેલા દિવસથી તેમના પ્રયાસ કેજરીવાલને બીજા કોઇ પણ રાજકારણી જેવા- સ્ટંટબાજ, વાયદાબાજ, દેખાડાબાજ- સાબીત કરવાનો રહ્યો છે. બંધારણ અને કાયદાને પોતાના પક્ષે અત્યાર લગી કેટલું માન આપ્યું તેની ચર્ચા કર્યા વિના, કેજરીવાલની વાત આવે એટલે એ લોકો ન્યાયાધીશ અને બંધારણવિદ્‌ની ભૂમિકામાં આવી જાય છે.

જુદાપણાના દાવા કરતા કેજરીવાલની તપાસ વધારે કડકાઇથી થવી જોઇએ એ ખરું, પરંતુ એમ કરવાનો હક કોંગ્રેસ-ભાજપને કેટલો છે? રાજીનામાના મુદ્દે પણ કેજરીવાલે રાજકીય સ્ટંટ કર્યો અને પૂર્વઆયોજિત ચાલબાજી દ્વારા રાજકીય લાભ મેળવવા માટે શહીદી વહોરી લીધી, એવા આરોપ તેમની પર થયા છે. મતદારો કેજરીવાલના આ પગલાને કેવી રીતે જુએ છે તે મહત્ત્વનું છે. મતદારોનું બ્રેઇનવોશ કરવા માટે કોંગ્રેસ-ભાજપ પાસે હજુ ત્રણેક મહિના જેટલો સમય છે. સામે પક્ષે એ પણ યાદ રાખવાનું કે હવે આમઆદમી પક્ષ પાસે પણ સરકાર ચલાવવાની જવાબદારી નથી. એટલે તેમની પાસે પ્રતિઆક્રમણનો પૂરતો સમય છે. તેનો ઉપયોગ એ દિલ્હીમાં જ નહીં, દેશના બાકીના ભાગમાં પણ પોતાની તાકાત જમાવવા માટે કરી શકે છે.

કોંગ્રેસ-ભાજપ પ્રકારના રાજકારણના વિકલ્પ તરીકે ‘આપ’ના રાજકારણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પણ રાજીનામાના મુદ્દે બે જુદા મત ધરાવે છે. એક મત એવો છે કે લોકસભાની ચૂંટણી સુધી કેજરીવાલે ગમે તેમ કરીને સરકાર ટકાવી રાખવા જેવી હતી. એવું થાત તો તેમને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ લડવા-જીતવા માટે રોકાઇ જવું ન પડત અને રાષ્ટ્રિય સ્તરે તેમનો દેખાવ વધારે સારો થઇ શકત. ત્યાં સુધી તેમણે સ્થિરતાપૂર્વક શાસન ચલાવ્યું હોત તો શાસકો તરીકેની તેમની વિશ્વસનીયતા પણ ઊભી થઇ હોત અને તેમની શાસનક્ષમતા તરફ આંગળી ચીંધનારાના હાથ હેઠા પડ્યા હોત. અત્યારે આપેલું રાજીનામું રાજકીય સ્ટંટમાં ખપશે, લોકસભાની ચૂંટણી વખતે તેમને વધારે પડતો સમય દિલ્હી જીતવામાં આપવો પડશે અને લોકો તેમને અસ્થિરતાના પર્યાય તરીકે જોશે તો દિલ્હી જીતવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

બીજો તર્ક એવો છે કે કેજરીવાલે ફરી એક વાર કોંગ્રેસ-ભાજપને રાજકારણની રમતમાં ચીત કર્યાં છે. સૌથી પહેલાં તો તેમણે કોંગ્રેસનો સામેથી મળેલો ટેકો લઇનેે સરકાર બનાવી અને પોતે શાસનથી દૂર ભાગતા નથી, એ બતાવી આપ્યું. ત્યાર પછી તે શાસકની ભૂમિકામાં આવી જવાને બદલે આંદોલનકારીની ભૂમિકામાં જ રહ્યા અને વખત આવ્યે ફૂટપાથ પર રજાઇ ઓઢીને સૂઇ જતાં ખચકાયા નહીં. વીજળી અને પાણી અંગે તેમણે ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચન પાળ્યાં. એ સિવાય પણ તેમના મંત્રીઓની (ક્યારેક અતિઉત્સાહને કારણે ટીકાપાત્ર બનેલી) સક્રિયતાને કારણે મતદારો પર સારી છાપ પડી. પરંતુ લોકસભાની ચૂંટણી સુધી ગમે તે ભોગે લધુમતી સરકાર ટકાવી રાખવાનું સલાહભરેલું ન હતું.

એક વાર વિધાનસભામાં મતદાનમાં હારની પરંપરા શરૂ થઇ જાય એટલે વિપક્ષોને ફાવતું જડી જાય. ત્યાર પછી દિવસો વીતે એમ સરકારની સ્થિતિ નબળી પડતી જાય અને સરવાળે ચૂંટણી આવે ત્યારે તેની ફરતેનું તેજવર્તુળ ઝંખવાઇ ચૂક્યું હોય. એને બદલે, દોઢ-પોણા બે મહિના શાસન કરીને, પોતે શાસન કરી શકે છે એવું બતાવીને, હવે પૂરા કદનું શાસન જોઇતું હોય તો સ્પષ્ટ બહુમતી આપો એવા સંદેશ સાથે, રાજીનામું આપી દેવાનું વધારે ફાયદાકારક નીવડે.

આ તર્ક અંતર્ગત એવું પણ વિચારાય છે કે જનલોકપાલ જેવા મુદ્દે સત્તા છોડ્યા પછી ચૂંટણી વખતે દિલ્હી જાળવી રાખવા માટે બહુ મહેનત નહીં કરવી પડે અને રાષ્ટ્રિય સ્તરે તેની સારી અસર પડશે- ચૂંટણીમાં ફાયદો થશે. કેજરીવાલ વડાપ્રધાનપદના ઉમેદવાર તો છે નહીં. એ સંજોગોમાં ચૂંટણી પછી દિલ્હીમાં પોતાની બહુમતી ધરાવતી સરકાર હોય તો હવે પછીની કેન્દ્ર સરકાર સામે તે બરાબર ટક્કર લઇ શકે અને રાષ્ટ્રિય સ્તરે પોતાની હાજરી મજબૂત કરી શકે. ‘પહેલી ચૂંટણી હારવા માટે, બીજી ચૂંટણી હરાવવા માટે અને ત્રીજી ચૂંટણી જીતવા માટે’ – આવી બહુજન સમાજ પક્ષના સ્થાપક કાંશીરામની રણનીતિ પ્રમાણે, બીજી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ખોખરાં કરીને ત્રીજી ચૂંટણી સુધીમાં તે મોટી ભૂમિકા માટે તૈયાર થઇ જાય.

બીજા પ્રકારની તર્કમાળા આશાવાદથી ભરપૂર છે. પરંતુ અત્યાર લગી એટલું પુરવાર થઇ ચૂક્યું છે કે કેજરીવાલ રાજકારણના કાચા ખેલાડી નથી. બલ્કે, રાજકીય શતરંજમાં તે ભલભલા જૂના જોગીઓને ભારે પડે એવા છે. એટલે તેમની ટુકડીનું ભવિષ્યદર્શન બીજા તર્ક પ્રમાણેનું હોય એ બનવાજોગ છે. સભવિષ્યની રાજકીય ઘટનાઓ કેવી રીતે આકાર લેશે એ કદી કહી શકાય નહીં, પણ એટલું નક્કી છે કે આમઆદમી પક્ષના પ્રતાપે ભાજપને (માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી ખંખેરાતા ભંડોળ ઉપરાંત પણ) લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનો આઇડીયા મળ્યો. પોતાનો ચૂંટણી ઢંઢેરો નક્કી કરતાં પહેલાં લોકોનાં સૂચન મંગાવવાનો ભાજપી વિચાર પણ અસલમાં ‘આપ’ પાસેથી લેવામાં આવ્યો હતો. ચૂંટણીઢંઢેરામાં લખાયેલા વચનની કશી કિંમત હોય એ ‘આપ’ના કારણે લોકોને યાદ આવ્યું. કાળાં નાણાં પાછાં લાવવાનાં આંબાઆંબલી બતાવતા મોદી સહિતના ભાજપી નેતાઓ અને બાબા રામદેવ પ્રકારના લોકો જેમનું નામ લેતાં ગભરાય એવા મુકેશ અંબાણીને આરોપીના કઠેડામાં ખડા કરવા જોઇએ, એવું કહેવાની તાકાત કેજરીવાલે બતાવી. એટલું જ નહીં, ગેસના ભાવના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીઓ સામે એફ.આઇ.આર. દાખલ કરવા સુધીની હિંમત તેમણે કરી.

દેશના સામાન્ય નાગરિકો માટે એક રાજકીય પક્ષ તરીકે ‘આપ’ જીતે કે હારે એના કરતાં પણ વધારે અગત્યનું એ છે કે ‘આપ’ દ્વારા જે જાતના ખુલ્લાશભર્યા અને લોકસામેલગીરી-લોકહિતના રાજકારણની શરૂઆત થઇ છે, તે આગળ વધવી જોઇએ. એવું નહીં થાય તો તેમાં સૌથી મોટો દોષ મતદારોનો ગણાશે. 

‘આપ’ની નહીં, આપણી વાત

ક્રિકેટના સ્ટેડિયમમાં કબડ્ડીની રમત માટે તખ્તો ગોઠવાયો હોય, કેમ કરીને ખરાબમાં ખરાબ રીતે એકબીજાની ટાંગખીંચાઇ કરવી, લોકોને મનોરંજન આપવું અને પોતે ટ્રોફી જીતી જવી તેની તૈયારીઓ ચાલતી હોય, ત્યાં અચાનક કોઇ માણસ પોતાની ટીમ સાથે સ્ટમ્પ-બેટ-બોલ લઇને આવી પહોંચે અને જાહેરાત કરી દે કે ‘સ્પર્ધા ચાલુ છે ને વિજેતાને ટ્રોફી મળશે, પણ હવે કબડ્ડીની નહીં, ક્રિકેટની મેચ રમવાની છે.’ તો કેવો ખળભળાટ મચે? કંઇક એવું જ વાતાવરણ દિલ્હીમાં આમઆદમી પક્ષના વિજય અને તેની સરકાર બન્યા પછી ઊભું  થયું.

દિલ્હીનાં પરિણામો પહેલાં લોકસભાનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ગણાતો હતો. અંગ્રેજીમાં કહે છે તેમ, ડેવિલ એન્ડ ડીપ સી – દૈત્ય અને દરિયા- વચ્ચેની આ પસંદગીમાં નાગરિકો મુંઝાતા હતા. ગાંધી પરિવારના પ્રખર ભક્તો અને એવા જ કટ્ટર મોદીભક્તો સિવાયના સૌ કોઇને આખી સ્થિતિ નિરાશાજનક લાગતી હતી. ક્ષિતિજ પર કોઇ વિકલ્પ દેખાતો ન હતો. સઆમઆદમી પક્ષની જીતથી ઘોર અંધકારમાં પ્રકાશની ટશર ફૂટ્યાનો અહેસાસ થયો. ત્યારથી અત્યાર સુધી એક મહિનાથી પણ ઓછા સમયગાળામાં આશાકિરણો ફરતે વિવાદનાં વાદળ ઘેરાયાં છે. આરોપોનો વરસાદ વરસે છે. ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ના માપે, દરેક આરોપની તીવ્રતા અને ગંભીરતા એકસરખાં દર્શાવાય છે. ધ્રુવપંક્તિ એક જ છે : ‘આવા લોકો સરકારમાં ન ચાલે. આવા લોકો સરકારમાં ન જોઇએ.’

સતત સિદ્ધાંતચર્ચાઓ અને અવનવા આરોપોનો એક મુખ્ય આશય નાગરિકોને સતત ગુંચવવાનો અને તેમને ફરી પાછા ‘મુખ્ય ધારાના’ – એટલે કે કોંગ્રેસી-ભાજપી- રાજકારણ ભણી વાળવાનો હોય, એવી શંકા જાય છે. બસ, એક વાર આમઆદમી પક્ષ લોકોને કોંગ્રેસ-ભાજપ જેવો – બોલીને ફરી જનારો, સ્ટંટબાજ, જૂઠાડો અને સ્વાર્થી – લાગવો જોઇએ.

ગુંચવાડાના આ ઘુમ્મસમાં, એક નાગરિક તરીકે ‘આપ’ પરના આરોપ અને તેમાં રહેલી લોકલક્ષી રાજકારણની શક્યતાઓ વિશે શું સૂઝે છે? વાત આગળ વધારતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લઇએ કે કેજરીવાલ કે તેમનો પક્ષ ‘પવિત્ર ગાય’ નથી. તેમની સાથે અસંમત થઇ જ શકાય. તેમની નીતિની કડક ટીકા પણ થઇ શકે. કેજરીવાલ ઉદ્ધારક નથી. તેમણે ઉદ્ધારક હોવાની જરૂર નથી. સાથે એ પણ યાદ રાખીએ કે આપણે ઉદ્ધારકની નહીં, લોકોની સામેલગીરી ધરાવતી લોકશાહીનો માહોલ ઊભો કરે એવા નેતાની જરૂર છે.

ફૂટપટ્ટી : મારવાની અને માપવાની

કેજરીવાલ અને દિલ્હીની ‘આપ’ સરકારનું બે રીતે મૂલ્યાંકન થઇ શકે : ૧) સ્વતંત્ર રીતે ૨) બીજા હરીફો સાથે સરખામણી કરીને. પહેલાં સ્વતંત્ર મૂલ્યાંકનની વાત કરીએ. સઅરવિંદ કેજરીવાલે રાજદીપ સરદેસાઇ તથા બરખા દત્તને આપેલી (યુટ્યુબ પર ઉપલબ્ધ) મુલાકાતોમાં વીસ દિવસમાં ‘આપ’ સરકારે કરેલાં કામની યાદી આપી છે. તેમાં સ્કૂલોમાં લેવાતાં ડોનેશનની ફરિયાદો માટે સ્થાપેલી હેલ્પલાઇનથી માંડીને દિલ્હીની સ્કૂલોનું ‘મેપિંગ’ કરીને તેમાં લેડીઝ ટોઇલેટની અછત સહિતની કેટલી સમસ્યાઓ છે, તેની વિગતનો સમાવેશ થાય છે. કેજરીવાલનો દાવો છે કે ‘આઝાદી પછી કોઇ પણ ચૂંટાયેલી સરકારે વીસ દિવસમાં આટલું કામ કર્યું હોય તો બતાવો.’ બરખા-રાજદીપ તેનો જવાબ આપી શક્યાં નથી. છતાં, આ વિગતોને ‘કેજરીવાલનું સરકારી વર્ઝન’ માનીને હાલ બાજુ પર રાખીએ અને તેમની સરકાર પર થતા આરોપ વિશે વિચારીએ.

સૌથી મૂળભૂત આરોપ તો કોંગ્રેસનો ટેકો લેવાનો હતો. પરંતુ અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે કોંગ્રેસે પોતાની ગરજે ‘આપ’ સરકારને ટેકો આપ્યો છે. ‘આપ’ કોંગ્રેસની ‘બી ટીમ’ છે, એવો બીજો આરોપ છે. પરંતુ કોમનવેલ્થ કૌભાંડની ફાઇલોથી માંડીને કેન્દ્રિય ગૃહમંત્રી શિંદે વિશે કેજરીવાલની ટીપ્પણી જાણ્યા પછી અને ‘કોંગ્રેસ અમને ટેકો આપવા બદલ બહુ પસ્તાશે’ એવાં કેજરીવાલનાં વચન સાંભળ્યા પછી ‘બી ટીમ’વાળો આરોપ ગળે ઉતરે એવો લાગતો નથી.  સકેજરીવાલને ‘આપખુદ’ કહેનારા ‘બળવાખોર’ ધારાસભ્ય બિન્નીની નિવેદનબાજી પછી વઘુ એક વાર ‘આ સરકાર લાંબું નહીં ખેંચે’ એવો પ્રચાર શરૂ થયો હતો.પણ બિન્નીની બળતરામાં જાહેર હિતને બદલે રાજકારણની રમત હોય એવું વધારે લાગતું હતું. કેટલાક તેને દિલ્હીના ભાજપી નેતા હર્ષવર્ધનની ગાંધીનગરની મુલાકાત સાથે પણ સાંકળતા હતા. હવે એ પ્રકરણ ઠરી ગયું છે અને શક્ય છે કે બિન્ની અત્યારે નવો કયો ફટાકડો ફોડવો તેની બ્રીફ મેળવી રહ્યા હોય.

‘આપ’ના  મંત્રી સોમનાથ ભારતીની મધરાતની કાર્યવાહી અને કેજરીવાલે કરેલા તેમના બચાવ વિશે ઘણો વિવાદ થયો છે. આ બાબતમાં પક્ષાપક્ષીની ચશ્મા ન પહેરીએ તો એટલું સમજાય છે કે ‘રેસિઝમના અને ભારતના આંતરરાષ્ટ્રિય સંબંધો બગાડે એવા’ મુદ્દા તરીકે ચગાવાયેલી આ વાતમાં મસાલો ઘણો  વધારે પડી ગયો છે.  સ્થાનિક લોકોની લાંબા સમયની નિરાશા અને નિષ્ફળ પ્રયાસ પછી મંત્રીએ સ્થળ પર જવું પડ્યું અને તેમણે પોતે કાયદો હાથમાં લીધો નથી, એ બે બાબતો નાગરિક તરીકે યાદ રાખવા જેવી છે. ‘આપ’ના યોગેન્દ્ર યાદવે મંત્રીને બોલવામાં સંયમ રાખવા જણાવ્યું, પણ મતવિસ્તારના લોકોની ફરિયાદના આધારે રાત્રે ને રાત્રે પહોંચી જવાના તેમના પગલાને  પ્રશંસાયોગ્ય ગણાવ્યું. અલબત્ત, આ પ્રકારના કિસ્સામાં ભવિષ્યમાં સ્થાનિક સ્તરે જનસુનાવણી યોજાય અને બન્ને પક્ષોને પોતાની વાત રજૂ કરવાની તક મળે, એવું સૂચન પણ યાદવે કર્યું. તે ભૂલમાંથી શીખવાની દાનત દર્શાવે છે. આ કિસ્સો ટાંકીને ‘કેજરીવાલ પણ બીજા પક્ષોની જેમ પોતાના નેતાઓને છાવરે છે’ એવો આરોપ કરવામાં પ્રમાણભાન ચૂકાતું નથી?

ભારતીના મુદ્દે નિષ્ક્રિયતા દેખાડનારા કેટલાક પોલીસ કર્મચારીઓની બરતરફી અંગે કેજરીવાલની ધરણા-પ્રતિક્રિયા આત્યંતિક લાગી શકે છે. ‘મુખ્ય મંત્રીએ સમાધાનથી નીવેડો લાવવાના પ્રયાસ કરવા જોઇએ’ એવું શાણપણ બોલવામાં સારું લાગે છે, પરંતુ આ પ્રયાસ ક્યાં સુધી કરવા અને એ સફળ ન થાય ત્યાં સુધી થતા નિષ્ક્રિયતાના આરોપોનો શો જવાબ આપવો? એ વિચારવા જેવું છે. અત્યાર લગી એવું જોવામાં આવે છે કે કેજરીવાલ રાજકીય પક્ષો દ્વારા સ્થાપિત દંભી-દોગલી રીતરસમોનો વિરોધ કરે ત્યારે ‘તે બંધારણ અને કાયદાનો વિરોધ કરે છે’ એવી હવા ઊભી કરવામાં આવે છે.

શબ્દાર્થમાં સડક પર ઉતરી આવનાર મુખ્ય મંત્રી તરીકે તેમને  ‘અરાજકતાવાદી’(એનાર્કિસ્ટ) ગણાવાયા છે. પરંતુ પક્ષીય વફાદારીઓ ન હોય તો એટલું યાદ રાખવું પડે કે આ ‘અરાજકતાવાદી’એ આવતાં વેંત પાણી અને વીજળી સહિતના મુદ્દે પોતાની સરકારે આપેલાં વચન પાળી બતાવવા જેટલી ગંભીરતા દાખવી છે. એક મહિનો પણ પૂરો ન થયો હોય એવી ‘આપ’ સરકાર માટે ‘નાપાસ’નાં પ્રમાણપત્રો ફાડવાની આટલી બધી ઉતાવળ શા માટે હોવી જોઇએ? સ‘કેજરીવાલની સાથે નહીં તે એમની સામે છે’- એવી વાત નથી અને ન હોઇ શકે, પણ લોકલક્ષી રાજકારણની માંડ એક આછેરી તક ઊભી થઇ હોય ત્યારે, પ્રમાણભાન ભૂલીને દિવસરાત તેની ટીકામાં રાચવું કેટલું ઉપયોગી છે? અને તેનાથી કેજરીવાલ કે ‘આપ’ કરતાં પણ વધારે લોકતરફી રાજકારણની સંભાવનાઓને કેટલું નુકસાન થશે એ વિચારવા જેવું છે.

ત્રણ પોલીસને સસ્પેન્ડ કરાવવા માટે મુખ્ય મંત્રી ફૂટપાથ પર આવી જાય એ કેટલું યોગ્ય કહેવાય? અને મુખ્ય મંત્રી ક્યાં સુધી  એક્ટિવિસ્ટની ભૂમિકામાં રહી શકે? આ બન્ને સવાલ વાજબી અને શાંતિથી વિચારવા જેવા છે. સ્થળ-સંજોગો-ક્ષમતાની દૃષ્ટિએ કેજરીવાલની ગાંધીજી સાથે સરખામણી ન થઇ શકે. છતાં, લડતની વ્યૂહરચનાની દૃષ્ટિએ વાત કરીએ તો, ગાંધીજીએ મીઠાના વેરાનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મીઠું તો નિમિત્ત હતું. કંઇક એવી જ રીતે, કેજરીવાલનો આશય દિલ્હી પોલીસની નિષ્ક્રિયતાના મુદ્દે  ‘બૉસ’ એવી ડાયનોસોર છાપ કેન્દ્ર સરકારને હચમચાવવાનો હોય એવું વધારે લાગતું હતું. તેમાં રાજકારણી કેજરીવાલની ચાણક્યબુદ્ધિ પણ ભળેલી હતી.

રહી વાત બીજા પક્ષો સાથે ‘આપ’ના તુલનાત્મક મૂલ્યાંકનની. ‘આપ’ સરકારે ચાર અઠવાડિયાંમાં જે લોકલક્ષી મિજાજનો પરિચય આપ્યો છે, એવું કોંગ્રેસ-ભાજપની એકેય સરકાર કરી શકી છે?  દલિતોની સમસ્યાથી માંડીને આર્થિક નીતિ અને વિદેશ નીતિ જેવી બાબતોમાં ‘આપ’ની નીતિ હજુ સ્પષ્ટ થઇ નથી. એટલે, ઘણાખરા વિષયોમાં ‘આપ’ કેવું સત્યાનાશ વાળી નાખશે, એવી કલ્પનાઓ કરવા માટે મોકળું મેદાન છે. બાકીના બન્ને પક્ષોની નીતિ પણ આ બાબતે બહુ સ્પષ્ટ નથી અને કેટલીક બાબતોમાં તે સ્પષ્ટ હોય તો તેનો કશો અર્થ નથી. કારણ કે તેમની દાનત સાફ નથી એ અત્યાર સુધીમાં સાબીત થઇ ચૂકેલી સચ્ચાઇ છે. કેજરીવાલ પર એવો આરોપ છે કે તેમને બંધારણીય સંસ્થાઓ પર અવિશ્વાસ છે. દલીલ ખાતર તેને સાચો માનીએ તો પણ, કોંગ્રેસ-ભાજપે બંધારણીય સંસ્થાઓના અવમૂલ્યનમાં કોઇ કસર છોડી નથી. કોંગ્રેસે અને ભાજપે તેમના સંકુચિત- લોકવિમુખ રાજકારણથી દેશને જેટલું નુકસાન કર્યું છે તેનાથી વધારે નુકસાન શક્ય છે ખરું?

વ્યક્તિવાદ કે પરિવારવાદનું રાજકારણ ખેલનારા પક્ષો સામે પહેલી વાર નાગરિકોની વાત કરનાર કોઇ વિકલ્પ ઊભો થતો હોય, ત્યારે તેને સાબીત થવા – કે ઉઘાડા પડવા માટે પણ – પૂરતો સમય ન મળવો જોઇએ? નવી આશા જગાડનારા પરિબળના દિશાસુધાર અંગે  ટીકા થાય તે એક વાત છે, પણ પહેલી તકે તેમનો એકડો સાવ કાઢી નાખવાની ઉતાવળ કોંગ્રેસ-ભાજપના લોકવિમુખ રાજકારણને સમર્થન આપવા જેવી લાગે છે. 

પરાજય પછી કોંગ્રેસની મંથનબેઠક

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ વિશે વિચાર કરવા માટે કોંગ્રેસની બેઠક યોજાઇ છે. મિટિંગરૂમમાં ખૂણેખાંચરે કશુંક મરેલું ભરાઇ ગયું હોય એવી ગંધ આવી રહી છે. અનુભવીઓ તેને પરાજયની ગંધ તરીકે ઓળખાવે છે, તો જાણકારોનો મત છે કે રૂમમાં કશું ભરાયું નથી, સત્તાસ્થાનેથી પક્ષના દિવસ ભરાઇ ગયા છે.

કોઇ ફળદ્રુપ દિમાગી કર્મચારીએ કોંગ્રેસના ચૂંટણીપ્રચારનું એક પોસ્ટર ફ્રેેમ કરાવીને, તેની પર ફુલહાર લગાડીને, એક ખુરશી પર એવી રીતે મૂક્યું છે કે દાખલ થતાં સૌથી પહેલી નજર એની પર પડે.  રૂમમાં આવનારા કોઇ નેતાને આ ફ્રેમ જોઇને વાંધો પડતો નથી કે ‘આ કોણે લગાડ્યું?’ એવું પૂછવાનું સૂઝતું નથી. સૌ બેસણાના અંદાજમાં ગંભીર ચહેરે ફ્રેમ પાસે જાય છે, બે હાથ જોડીને અધખુલી આંખે નમન કરે છે અને પોતાની આ ચેષ્ટા બીજા નોંધી રહ્યા છે કે નહીં એ તીરછી નજરે જોઇ લે છે. ત્યાર પછી એ ખુરશી પર બેસી જાય છે.

એવામાં રાહુલ ગાંધી આવે છે. તેમણે પોતાનો કાયમી પોશાક- સફેદ કુર્તો-પાયજામો- પહેર્યો છે, પણ આજે તે પ્રસંગને અનુરૂપ લાગે છે. તેમના આંખોમાં ઉજાગરો દેખાય છે. તેમની પાછળ સોનિયા ગાંધી દાખલ થાય છે. તેમના હાથમાં સ્ટીલની લાંબી ફુટપટ્ટી અને ચહેરા પર કડકાઇનો ભાવ છે. એ જોઇને બેઠેલા નેતાઓના શરીરમાંથી ઘુ્રજારીની આછી લહેર દોડી જાય છે. છતાં, સૌ ચહેરા પરની સ્વસ્થતા ટકાવી રાખે છે. અહમદ પટેલ ક્યારે આવીને ગોઠવાઇ ગયા, એ ખબર પડતી નથી. સોનિયા ગાંધીના હાથમાં ફુટપટ્ટી જોઇને કેટલાક સંશયાત્માઓ કોની કોની હથેળી લાલ છે, એ દૂરથી તપાસવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં ખાસ સફળતા મળતી નથી.

સોનિયા ગાંધી રાબેતા મુજબ એક ખુરશી ભણી જોઇને મિટિંગ શરૂ કરવા ઇશારો કરે છે, પણ રાહુલ ગાંધી ખુસપુસ અવાજે તેમનું ઘ્યાન દોરતાં કહે છે કે એ ખુરશી ખાલી છે. કારણ કે પ્રણવ મુખર્જી હવે રાષ્ટ્રપતિ બની ગયા છે. સોનિયા ગાંધી થોડો વિચાર કરીને જાતે જ મિટિંગની શરૂઆત કરે છે.

સોનિયા ગાંધી : ભાઇઓ અને (શીલા દીક્ષિત સામે જોઇને) બહેનો, તમે જાણો છો કે આપણે શા માટે ભેગા થયા છીએ.

નેતા ૧ : હાસ્તો, ખરખરો કરવા…

સોનિયા : (કડકાઇથી) ખરખરો એટલે? તમે પેલા ગુજરાતી જૈન નાસ્તાની વાત કરો છો? કહેવા શું માગો છો?

નેતા ૨ : વાહ મેડમ, શું કલ્પના છે…ખરખરો- એક ગુજરાતી વાનગી… આને કહેવાય કલ્પનાશક્તિ.

નેતા ૩ : રીઅલી ગ્રેટ, મેડમ. આ એક જ કલ્પના પર તમને ૨૦૧૪માં ભારતનાં વડાપ્રધાન બનાવી દેવાં જોઇએ.

સોનિયા :કન્ટ્રોલ યોરસેલ્ફ…તમારી આ ચાપલૂસીને કારણે જ પક્ષની આવી દશા થઇ છે. તમે લોકો મને સાચું કહેતા જ નથી..

ખૂણાનો અવાજ : .. પણ તમે અમારું સાંભળો છો જ ક્યારે?

(રાહુલ ગાંધી અવાજની દિશામાં જુએ છે, પણ કોણ બોલ્યું એ સમજાતું નથી.)

સોનિયા : આ ચૂંટણીએ આપણને સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે..

નેતા ૨ : …આપણે હજુ ૨૦૧૪માં સરકાર રચી શકીએ એમ છીએ. લોકો કહે છે એટલી આપણી બદનામી થઇ નથી. હજુ આ દેશમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી શકાય છે. ભરોસો ન પડતો હોય તો પૂછો રાજસ્થાન-મઘ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જીતેલા કોંગ્રેસી ઉમેદવારોને.  વિરોધીઓ કહે છે એવી આપણા વિરુદ્ધની આંધી હોય તો આ લોકો શી રીતે ચૂંટાયા?

નેતા ૩ : જબ તક સૂરજ-ચાંદ રહેગા…

નેતા ૪ : સોનિયાજી-રાહુલજીકા નામ રહેગા.

ખૂણાનો અવાજ : પણ હવે નામ નહીં, સત્તા રાખવાની વાત છે.

રાહુલ : (અવાજને અવગણીને) તમે લોકો ક્યારે સુધરશો? મમ્મીએ તમને કહ્યું તો ખરું કે ચાપલૂસીએ જ આપણને ડૂબાડ્યા છે…

નેતા ૫ : રાહુલજીની વાત તદ્દન સાચી છે. પક્ષના પરાજય વિશે કેવું સચોટ, ઊંડાણભર્યું અને પ્રેરણાસભર નિદાન છે એમનું! રાહુલજી, અત્યાર સુધી હું કેવળ આપની નેતાગીરીનો ભક્ત હતો, પણ હવે આપની રાજકીય સમજણને સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય છે. આપની આગેવાની હેઠળ ભારતનો ઉદ્ધાર થઇ જશે, એ મને સાફ દેખાય છે. બોલો…રાહુલજીકી જય

(રાહુલ ગાંધી મૂંઝાઇ જાય છે અને વિચાર કરે છે કે ‘ચાપલૂસી ન કરશો’ એવું આ લોકોને કઇ ભાષામાં સમજાવું?)

સોનિયા : (કડક મુખમુદ્રા ધારણ કરીને) આ ચૂંટણીનાં પરિણામ પરથી ચોખ્ખું દેખાય છે કે આપણે બદલાવું પડશે.

ખૂણાનો અવાજ : એને ‘બદલાવું’ નહીં, ‘સુધરવું’ કહેવાય.

(રાહુલ ગાંધી આ વખતે ઊભા થઇને અવાજ ક્યાંથી આવે છે તે શોધવા પ્રયાસ કરે છે. પણ સામે એ જ
આજ્ઞાંકિત ચહેરા દેખાતાં ગુંચવાઇને પાછા બેસી જાય છે.)

સોનિયા : સૌથી પહેલાં આપણે પરાજય કબૂલીને તેનાં કારણ સમજવાં પડશે.

(બધા નેતાઓ એકબીજા સામે જોવા લાગે છે. સોનિયા ગાંધી ‘ઓર્ડર ઓર્ડર’ના અંદાજમાં ફુટપટ્ટી પછાડે છે, એટલે પરાજયના કારણનો જવાબ આપતા હોય તેમ સૌ રાહુલ ગાંધી સામે જોવા માંડે છે.)

નેતા ૫ : મેડમ, પરાજયમાં આપણો કશો વાંક નથી. આ બધી પેલા અરવિંદ કેજરીવાલની, ભાજપની અને મતદારોની બદમાશી છે. તેમનું કાવતરું છે. ખરેખર તો આ ચૂંટણીની સીબીઆઇ પાસે તપાસ કરાવવી જોઇએ. મને તેમાં મોટા પાયે ગોટાળાની શંકા છે.

ખૂણાનો અવાજ : હા, ગોટાળો તો લાગે જ છે. દિલ્હીમાં કોંગ્રેસની આઠ બેઠકો પણ કેવી રીતે આવે?

નેતા ૨ : મેડમ, આપણે મીડિયાની ટીકાને ઘ્યાનમાં ન લેવી જોઇએ. એ બધા તો ખાય તેનું ગાય. મારું સૂચન છે કે આપણે વિધાનસભાની આવી કોઇ ચૂંટણી થઇ હતી, એ વાત ભૂલી જઇએ અને પૂરા જુસ્સાથી ૨૦૧૪ની ચૂંટણી માટે કામે લાગી જઇએ. અમે પ્રતિજ્ઞા લઇએ છીએ કે રાહુલબાબાને અમે વડાપ્રધાન બનાવીને જ
જંપીશું. બોલો, રાહુલજી કી…

ખૂણાનો અવાજ : …ઐસીકી તૈસી.

રાહુલ ગાંધી : (ખિજાઇને) અરે, આપણી વાતચીતમાં વચ્ચે ડબકાં કોણ મૂકે છે? તમને લોકોને કોઇનો અવાજ સંભળાય છે?

(બધા નેતા આજ્ઞાંકિતતાથી નકારમાં ડોકાં ઘુણાવે છે.)

નેતા ૪ : અમને તો કંઇ સંભળાતું નથી, પણ રાહુલજી, આપ મહાન છો. શક્ય છે કે મહાત્માઓની જેમ તમને પણ અંતરાત્માનો અવાજ સંભળાતો હોય…એ ફક્ત તમે જ સાંભળી શકો અને તમને એ અવાજ સંભળાયો એનો અર્થ એ જ કે તમે મહાત્મા છો. હવે કોંગ્રેસના ભવિષ્યની ચિંતા કરવાની અમારે લગીરેય જરૂર નથી.

નેતા ૫ : તમારા જેવા નેતાના હાથમાં કોંગ્રેસ જ્યાં હશે ત્યાં સલામત રહેશે એની અમને ખાતરી છે.

ખૂણાનો અવાજ : …અને ચૂંટણી પછી કોંગ્રેસ ક્યાં હશે, એ વિશે મને ખાતરી છે.

રાહુલ : તમારા સૌના સહયોગથી હું તમને એવો ચમત્કાર બતાવીશ કે જે તમે કલ્પી પણ ન શકો.

સોનિયા : રાહુલ, તું આમ ગોળ ગોળ બોલ્યા વિના ચોખ્ખી વાત કર, નહીંતર ગેરસમજણ થશે. (નેતાઓ તરફ જોઇને) એ પક્ષને તાળું મારવાની વાત નથી કરતો.

રાહુલ : મારી પાસે એક માસ્ટર પ્લાન છે, પણ એની વાત આ રૂમની બહાર ન જવી જોઇએ. કારણ કે એ ટૉપ સિક્રેટ છે. એની પર હજુ કામ કરવાનું છે.

સોનિયા : (મનોમન) ચાલો, પ્લાનને મીડિયામાં બધે કેવી રીતે કેવી રીતે પહોંચાડવો, એટલું તો રાહુલ શીખ્યો…અત્યારથી આ બધાને ખંજવાળ આવતી હશે કે ક્યારે બહાર જઇએ ને ખાનગીમાં પત્રકારોને બોલાવીને પ્લાનની વિગતો લીક કરી દઇએ.

રાહુલ : તો પ્લાન એ છે કે…

બધા નેતાઓ : બોલો રાહુલ ગાંધીકી…

રાહુલ : (ઘુંધવાઇને) તમારી લોકોની આ ટેવ ક્યારે સુધરશે?

ખૂણાનો અવાજ : પક્ષપલટો કરશે ત્યારે..

રાહુલ (અદૃશ્ય અવાજથી ચમકીને, જરા ઉતાવળે) : તો મારી યોજના એ છે કે અત્યારે આપણામાંથી જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ ન હોય એવા નેતાઓએ સાગમટે આમઆદમી પાર્ટીમાં જોડાઇ જશે…હું, સચિન, જ્યોતિરાદિત્ય, મિલિંદ, જિતેન અને બીજા પણ ઘણા. મમ્મી, શીલાઆન્ટી એ બધાં કોંગ્રેસમાં રહેશે.

સોનિયા : પછી?

રાહુલ : (‘જોયું? કેવું જોરદાર લાવ્યો?’ના અંદાજમાં) પછી કંઇ નહીં. સ્વચ્છ રાજકારણ ઇચ્છતા બધા લોકોને કેજરીવાલે પોતાની સાથે જોડાઇ જવા કહ્યું છે. એટલે અમને એ ના નહીં પાડી શકે. લોકસભાની ચૂંટણીમાં આપણે કેજરીવાલના નિયમો પ્રમાણે લડીશું તો જીતવાના બહુ ચાન્સ છે. પણ કેજરીવાલને સંપૂર્ણ બહુમતી નહીં મળે. દિલ્હી જેવું થશે. એ વખતે આપણે ફરી આમઆદમી પક્ષમાંથી અલગ જૂથ- ‘રાહુલ કોંગ્રેસ’- તરીકે છૂટા પડી જઇશું અને કોંગ્રેસના મમી જેવી મમ્મી કોંગ્રેસના જીતેલા ઉમેદવારો સાથે મોરચો કરીને સરકાર રચીશું.

નેતાઓ ૧-૬ : બ્રિલિયન્ટ આઇડીયા. એક કાંકરે કેટકેટલાં પંખી મરી જશે. યુ આર જિનિયસ. રાહુલજી આપ આગે બઢો, હમ ‘આપ’કે સાથ હૈં

(સોનિયા ગાંધી આશ્ચર્ય અને આઘાતથી ફૂટપટ્ટી પંપાળતાં રાહુલ સામે જોઇ રહે છે અને નેતાઓ રાહુલને ઘેરી વળે છે. તેમને ઘોંઘાટમાં મિટિંગનું અનૌપચારિક સમાપન થાય છે.)

પરિણામોનો ઉભરો ઓસર્યા પછી

વિધાનસભાનાં ચૂંટણીપરિણામ પછીની ઉત્તેજના ઓસરી રહી છે, ત્યારે ‘લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ’નાં પરિણામ અને અસરો વિશે શાંતિથી, મુદ્દાસર વિચારવા જેવું છે.

ભારતીય ચૂંટણીશાહીમાં ‘નૈતિકતા’નો ઉલ્લેખ માત્ર વિરોધાભાસ ઉપજાવવા માટે થતો હતો. રાજકીય પક્ષોના રોજિંદા વ્યવહાર અને આચરણમાં નૈતિકતાનું નામોનિશાન ન હતું. ગંભીર આરોપ થાય ત્યારે તેમનો જવાબ રહેતો : ‘આવું તો સામેનો પક્ષ પણ કરે છે/કરી ચૂક્યો છે.’ (ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના) અંગ્રેજી કટારલેખક સલિલ ત્રિપાઠીએ રાજકીય પક્ષોની આ માનસિકતા માટે વાપરેલો શબ્દપ્રયોગ હતો : ‘ઇક્વલ ઓપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ એટલે કે, ‘ગેરલાભ લેવાની સમાન તકો- એમણે ગેરલાભ લીધો, તો અમે કેમ બાકી રહીએ?’ આ વૃત્તિથી રાજકીય પક્ષો પોતાનાં કરતૂતો પર લાજવાને બદલે, એકબીજા તરફ આંગળી ચીંધીને ગાજતા હતા.

પછી દિલ્હીની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો અણધાર્યો ઉદય થયો. દેખીતી રીતે જ એ ભાજપ-કોંગ્રેસથી કંટાળી ચૂકેલા મતદારોની ઇચ્છાનો પડઘો હતો. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું. ‘મતદારોએ અમને જનાદેશ આપ્યો નથી. એટલે અમે સરકાર રચી શકીએ નહીં.’ એવો સાત્ત્વિક ખુલાસો તેમણે રજૂ કર્યો. જોકે, બિલકુલ એ જ કારણસર આમઆદમી પક્ષ સરકાર રચવાનો ઇન્કાર કરે, એ તેમને પસંદ ન હતું.

કેજરીવાલ કોંગ્રેસના સભ્યોના બિનશરતી ટેકાથી સરકાર રચે તો એ ભ્રષ્ટાચારીઓના સાથીદાર (અરુણ જેટલીનું ટ્‌વીટ), સરકાર ન રચે તો જવાબદારીથી ભાગનારા- નકારાત્મક રાજકારણ ખેલનારા અને ભાજપના ટેકાથી સરકાર રચે તો…સરકારમાં બેઠા પછી તો તેમનું ચીરહરણ કરવાના  મુદ્દા મળી જ રહેવાના છે – આવી ‘સમજણ’ જાહેર કરીને ભાજપે રાજકીય પક્ષોની મેલી મથરાવટીનો સરસ નમૂનો પૂરો પાડ્યો.

દિલ્હીના આખા ઘટનાક્રમનો ન ચૂકવા જેવો સાર એ નીકળ્યો કે કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે ભારતના રાજકારણમાં નૈતિકતાને ફેશનેબલ બનાવી દીધી. એનો પૂરતો હરખ વ્યક્ત કર્યા પછી સમજવું પડે કે ખરો પડકાર નૈતિકતાને ફેશનેબલ ઉપરાંત ટકાઉ બનાવવાનો છે- અને  રાજકારણમાં નૈતિક મૂલ્યો ઇચ્છતા અને મૂલ્યહીન રાજકીય પક્ષોના કુશાસનથી ત્રાસી ચૂકેલા બધા નાગરિકોને એ લાગુ પડે છે. રાજકારણમાં નૈતિકતા લાવવાની જવાબદારી કેવળ કેજરીવાલ કે આમઆદમી પક્ષની ન હોઇ શકે.

આગળના મુદ્દા સાથે સંબંધિત બીજો મુદ્દો : કેજરીવાલ (કે મોદી કે રાહુલ) ઉદ્ધારક નથી. તે ઉદ્ધારક હોય એવી અપેક્ષા પણ ન રાખવી જોઇએ. મતદારોએ ફક્ત એટલું યાદ રાખવાનું કે આપણને ઉદ્ધારકને નહીં, સારા શાસકની જરૂર છે. ‘સારા’ એટલે એવા શાસક જે કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનોમાં કે સ્પેક્ટ્રમ જેવી ફાળવણીઓમાં ગંભીર ગોટાળા ન કરે, કેવળ અંગત કારણોસર કોઇ યુવતીની જાસુસી કરાવવા માટે એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ જેવું સત્તાવાર તંત્ર કામે ન લગાડે…

કેજરીવાલે પણ આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. વચનો આપવામાં તે સરેરાશ રાજકીય પક્ષ જેવા ઉદાર જણાયા છે. વચન આપતાં પહેલાં લાંબા ગાળાનો વિચાર થવો જોઇએ અને અપાયા પછી તે પળાવાં જોઇએ. એમાં ચૂક થાય તો, નાગરિકો આમઆદમી પક્ષની કડકમાં કડક ટીકા કરી શકે. પક્ષની અને લોકશાહીની તંદુરસ્તી માટે એ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ કોંગ્રેસી-ભાજપી મંડળી શીખંડી પદ્ધતિ પ્રમાણે, સિદ્ધાંતની ઓથે રહીને સ્વાર્થનાં તીર છોડ્યા કરે ત્યારે નાગરિકોએ તેમાં હાજિયો પૂરતાં પહેલાં વિચારવું. ટાંકણીની ચોરીનું બૂમરાણ મચાવનાર પોતે ચોરેેલી વૈભવી કારમાં તો નથી ફરતો ને?

કેજરીવાલની સફળતા પછી અન્ના હજારે મેદાને પડ્યા. ટૂંકી દૃષ્ટિ- મુગ્ધ સમજણ-લપટી જીભ ધરાવતા, ઝડપથી હવામાં આવી જતા અન્ના હજુ સમજતા નહીં હોય કે જનલોકપાલ આંદોલનની આખી ડીઝાઇન કેજરીવાલે તૈયાર કરી હતી? અને તેમનું સ્થાન એક ઉપવાસી ગાંધી-આભાસી, ગાંધીટોપીધારી પ્રતીક તરીકેનું હતું? ‘ઉપવાસ થોડા વઘુ ચાલ્યા હોત તો કેન્દ્ર સરકાર ગબડી જાત’ એ પ્રકારના ભવ્ય ભ્રમોમાં રાચવા ટેવાયેલા અન્નાએ દિલ્હીની ચૂંટણી પછી કહ્યું કે તેમણે પ્રચાર કર્યો હોત તો આમઆદમી પક્ષને બહુમતી મળત. (પ્રચાર કરતાં તેમને કોણે રોક્યા હશે, એ વળી જુદો સવાલ છે)

યુવતી પર અત્યાચારના બનાવ અને ભ્રષ્ટાચારવિરોધી ચળવળને કારણે આમઆદમી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો જણાય છે. સાથે ઉમેરવું જોઇએ કે ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં રહેલું જવાબદારી વગરની સત્તાનું અને ‘હઇસો હઇસો’નું વાંધાજનક પરિબળ આમઆદમી પક્ષની રચના પછી ઘણી હદે દૂર થયું છે. માટે, એ વધારે વાસ્તવિક અને વધારે નક્કર લાગે છે. આમ, અન્નાની ચળવળે ભલે આમઆદમી પક્ષને મજબૂત શરૂઆત પૂરી પાડી હોય, પણ એ ચળવળની સફળતા અને આમઆદમી પક્ષની સફળતાને એક ત્રાજવે તોળી શકાય નહીં. બન્નેનાં ઘણાં પરિમાણ જુદાં છે.

આમઆદમી પક્ષના ઉદય સાથે મોદીભક્તો માટે નવેસરથી મૂંઝવણ સર્જાઇ છે. અન્ના આંદોલન વખતે મુખ્યત્વે કોંગ્રેસવિરોધથી પ્રેરાઇને અન્ના-કેજરીવાલના આંદોલન સાથે ભળેલા ઉત્સાહીઓને જરા પણ અંદાજ નહીં હોય કે કેજરીવાલ અલગ પક્ષ સ્થાપીને બેઠકો જીતશે અને ભલે નાના પાયે, પણ તેમના પ્રિય પક્ષ અથવા પ્રિય સાહેબ સામે પ્રશ્નો ઊભા કરશે. આવા મિત્રો હવે આમઆદમી પક્ષ વિશે અનુકૂળ આશંકાઓ વહેતી મૂકવામાં વ્યસ્ત છે અથવા મીંઢું મૌન સેવી રહ્યા છે. કારણ કે, આમઆદમી પક્ષે લોકસભાની ચૂંટણી અને એ પણ દિલ્હી ઉપરાંત કેટલાક ઠેકાણેથી લડવાની તૈયારી બતાવી છે.

અગાઉ કહ્યું તેમ, આમઆદમી પક્ષ સંપૂર્ણ કે આદર્શ છે એવું માની લેવું નહીં. આર્થિક નીતિથી માંડીને વિવિધ નાગરિકસમુહોની સામેલગીરી બાબતે તેના પ્રત્યે અહોભાવને બદલે તપાસની દૃષ્ટિથી જોવું રહ્યું. પરંતુ અગાઉ કેવળ ‘સાહેબ’પ્રેમથી પ્રેરાઇને કોંગ્રેસના ભ્રષ્ટાચારની ટીકા કરનારા, હવે એ જ હેતુસર આમઆદમી પક્ષ વિશે આગોતરી આશંકાઓ વ્યક્ત કરવા લાગે અને તેનાં ચૂંટણીવચનો વિશે ટીકાટીપ્પણી કરવા બેસે, ત્યારે એવા લોકોને ‘સાહેબભક્ત’ તરીકે ઓળખી લેવાનું જરૂરી છે. લોકશાહીમાં ભક્તિ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મામલો છે, પણ તેને જાહેર હિત અથવા ભ્રષ્ટાચારના વિરોધ જેવા આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો એ છેતરપીંડી થાય. આવી છેતરપીંડી કરતા ‘સાહેબભક્તો’થી સાવધાન રહેવાનો આ સમય છે.

‘સાહેબ’ના પ્રખર સમર્થક એવા કોર્પોરેટ જગત માટે ‘આપ’નો ઉદય માઠા સમાચાર છે. કારણ કે મોટા રાજકીય પક્ષો સાથે તેમણે કરેલી ગોઠવણો સામે, ભલે સાવ નાના પાયે, પણ એક નવું બળ ઊભું થયું છે. કોર્પોરેટ જગતનું નાણાંકીય પીઠબળ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણમાં રહેલું સૌથી મોટું પરિબળ મનાય છે. તેનું ગુજરાતી એવું થાય કે મોદી વડાપ્રધાન બને એ માટે કેટલાંક ઉદ્યોગજૂથોએ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. તેનો સીધો કે આડકતરો અહેસાસ પ્રસાર માઘ્યમોમાં ચોક્કસ રીતે રજૂ થતા સમાચારો દ્વારા થઇ શકે છે.

‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’ જેવા ઠાવકા અને ઠરેલ  સામયિકે નોંઘ્યું છે : ‘બધી ટીવી ચેનલો સતત એવો પ્રચાર કરતી હતી કે ‘આપ’નો દેખાવ સારો હોય તો પણ, છેવટે એ ‘સ્પોઇલર’- કેવળ બાજી બગાડનાર- બની રહેશે એ નક્કી છે. જોવાની વાત એ છે કે ભાજપ પણ આવું જ કહી રહ્યો હતો કે ‘આપ’ને આપેલો મત કોંગ્રેસને મદદરૂપ થશે. આ ચોક્કસપણે એક કાવતરું હતું જેમાં ભાગીદાર બનવા બદલ પ્રસાર માઘ્યમોમાંથી કેટલાંકને ગુનેગાર ઠેરવવાં પડે…કેટલીક ચેનલોએ ‘આપ’ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો અને એ માટે ‘હેચેટ જૉબ’-દ્વેષયુક્ત કાવતરાબાજી-ની પણ મદદ લીધી…(કથિત સ્ટિંગ ઓપરેશનમાં) ફૂટેજ સાથે ચેડાં થયાં છે અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ થયા પછી પણ આ ચેનલોએ માફી ન માગી. એ દર્શાવે છે કે એ લોકો ફક્ત અનૈતિક પત્રકારત્વ કરતા ન હતા. એ કાવતરામાં સામેલ પણ હતા.’ (વી.કૃષ્ણન્‌ અનંત, વેબ એક્સક્લુઝિવ, ઇપીડબલ્યુ, ૧૪-૧૨-૨૦૧૩)

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે કશો મોટો દાવ ન ખેલાય તો કોંગ્રેસે જાકારા માટે તૈયાર રહેવાનું છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં પહેલાં, ‘દૂધપાક’ ખેલાડી મટીને સ્પષ્ટ અને જવાબદાર નેતાગીરી વિકસાવવાની જરૂર છે,

મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની શક્તિ વધી છે, છતાં હજુ સુધી શિવરાજસિંઘ જેવા નેતાઓને સદંતર ઝાંખા પાડીને તે પક્ષનો પર્યાય બન્યા નથી (ભાજપ માટે અને લોકશાહી માટે એ સારી નિશાની છે), કોંગ્રેસ-ભાજપ બન્નેનો કંઇક સન્માનજનક વિકલ્પ મળતો હોય તો લોકો મોદીતરફી આક્રમક પ્રચારમાં વહી જતા નથી અને કોંગ્રેસવિરોધનો બધો ફાયદો આપોઆપ ભાજપને મળી જવાનો નથી, આમઆદમી પક્ષને નીચો પાડવા માટે કોઇ મોટી કરામત કરવામાં ન આવે તો, લોકસભાની ચૂંટણીમાં બેપાંખીયો જંગ ધરાવતી કેટલીક બેઠકો પર આમઆદમી પક્ષ મજબૂત હરીફાઇ પૂરી પાડી શકે છે..

આમઆદમી પક્ષ વિવિધ રાજ્યોમાં રહેલાં નાગરિકતરફી અને નાગરિકોના હકમાં કામ કરતાં પરિબળોને રાષ્ટ્રિય સ્તરનું એક છત્ર પૂરું પાડે અને એ સૌ સાથે મળીને જવાબદાર રાજકારણમાં એક તાંતણે જોડાય, તો નવી શરૂઆતની આશા ઊભી થાય. એ બહુ અઘરું છે, પણ દેશના હિતમાં આવશ્યક અને અનિવાર્ય છે. 

આદર અને આક્રમક વિરોધ : શરતો લાગુ

મૂલ્યો વગરની સફળતા સમાજમાં ક્યારની સ્વીકૃત, સ્થાપિત અને પ્રતિષ્ઠિત બની ચૂકી હોય, એવી સ્થિતિમાં મૂલ્યભંગના મોટા ભાગના કિસ્સા થોડી સનસનાટીથી વધારે કંઇ જગાડી શકતા નથી. પરંતુ મૂલ્યહીનતાના અવિરત ઓચ્છવમાં નૈતિકતાની પીપુડી વગાડતા છૂટાછવાયા લોકો જ્યારે માટીપગા પુરવાર થાય, ત્યારે વધારે મોટો ધબાકો થાય છે.‘તહલકા’ના તરુણ તેજપાલ એનું તાજું ઉદાહરણ છે.

તરુણ તેજપાલની જે મથરાવટી તેમના પરિવારમાં અને નજીકનાં વર્તુળોમાં જાણીતી હતી, તે હવે રાષ્ટ્રિય ચર્ચાનો મુદ્દો છે- અને એમાં તેજપાલ સિવાય બીજા કોઇનો દોષ કાઢી શકાય તેમ નથી. લાજવા જેવું કામ કર્યા પછી ગાજવાની તેમની વર્તણૂંક બેવડી શરમજનક છે.  ‘તહલકા’ના મોરચે શહીદીનો લિબાસ પહેરીને ફરતા તેજપાલ અને તેમનાં સાથી શોમા ચૌધરી ‘થિન્ક ફેસ્ટ’ પ્રકારનાં ફાઇવ સ્ટાર આયોજનો માટે જુદી કંપનીઓ ઊભી કરે અને ‘તહલકા’ના માઘ્યમથી કરાતો મૂલ્યનિષ્ઠાનો દાવો નેવે મૂકીને અઢળક કમાણી કરતાં હોય, એ પણ ઓછો ગંભીર આરોપ નથી. ‘તહલકા’માં ખોટ જતી હોય, જેને સરભર કરવા માટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હોંશથી નાણાં રોકતા હોય અને ભવ્ય મેળાવડા કે ક્લબ જેવાં આયોજનોમાં નાણાં મેળવવા માટે તેજપાલ ‘તહલકા’ની આબરૂ વટાવી ખાતા હોય, તે આરોપ સૂચવે છે કે તેજપાલની મહત્ત્વાકાંક્ષા તેમની જે કંઇ નીતિમત્તા હોય એને વળોટીને ક્યારની આગળ નીકળી ચૂકી હતી.

તેજપાલ-ચૌધરી એન્ડ કંપનીનાં આ કરતૂતની ‘સજા’ તરીકે હવે ‘તહલકા’ બંધ થઇ જાય અથવા ખંડિત પ્રતિષ્ઠા સાથે ચાલતું રહે, તો તેમાં નુકસાન છેવટે કોને જાય? તેજપાલ-ચૌધરીનું જે થવું હોય તે થાય, પણ ‘તહલકા સ્પેશ્યલ’ અહેવાલ છપાતા બંધ થાય અથવા છપાય તો પણ તેમાં વિશ્વસનિયતાનો રણકો ન રહે, એ બેશક નાગરિકોનું નુકસાન છે- એવા નાગરિકોનું જેમણે કોઇ રાજકીય પક્ષની કંઠી બાંધી નથી કે કોઇ નેતાના મોહમાં અંધ બન્યા નથી.

અને ફાયદો કોને થાય? ‘એક કાગડો મરે ને સો ગાયનાં શિંગ ઠરે’ એ કહેવત પ્રમાણે, અનેક સ્થાપિત હિતો અને તેમના મળતિયા હાશકારો અનુભવે. (‘તહલકા’નું પ્રતીક ‘જૂઠ બોલે કૌઆ કાટે’વાળો કાગડો જ હતો.)

વિરોધનાં વાજાં, સ્વાર્થના સૂર

તેજપાલનો વિરોધ કરનારામાંથી કોણ ન્યાય ઇચ્છે છે ને કોણ બદલો, કોણ સિદ્ધાંતની વાત કરે છે ને કોણ સગવડની, એની તારવણી કરવાનું પણ જરૂરી છે. ઇંદિરા ગાંધીએ ૧૯૭૭માં લાદેલી કટોકટીમાંથી દેશને બોધપાઠ મળી ચૂક્યો છે કે કટોકટીનો વિરોધ કરનારા બધા લોકશાહીના કે નાગરિક અધિકારોના તરફદાર નથી હોતા. કંઠીબંધા ડાબેરીઓથી માંડીને કોમવાદી જમણેરીઓ સુધીના સૌ કોઇ કટોકટીની સામે હોય ત્યારે એક સરખા શાણા લાગતા હતા. કટોકટીનો વિરોધ ગમે તેટલો સાચો હોય તો પણ, ફક્ત એ કારણસર તેના તમામ વિરોધીઓને લોકશાહીના ચળવળકાર તરીકે વધાવી શકાય નહીં. એવી જ રીતે, તેજપાલના વિરોધમાં ઉતરેલા લોકોના પણ આશય પ્રમાણે પ્રકાર પાડવા રહ્યા.

આ પ્રકાર નક્કી કરવાની ઘણી રીત હોઇ શકે. જેમ કે, તેજપાલના શરમજનક દુર્વ્યવહારનો જોરશોરથી વિરોધ કરનારા કેટલા લોકોને અમિત શાહના ‘સાહેબ’ દ્વારા કરાયેલા રાજ્યસત્તાના વ્યાપક દુરુપયોગ સામે (વધારે નહીં તો) એટલો જ વાંધો પડે છે? તેજપાલે છોકરી સામે કરેલા આરોપો જૂઠા છે, એવું હોંશથી કહેતા કેટલા લોકોને, ‘સાહેબે છોકરીની સલામતી માટે તેની પાછળ પોલીસ ગોઠવી હતી’ એવો ખુલાસો હોંશેહોંશે સ્વીકારી લે છે? તેજપાલની ટીકા કરનારામાંથી કેટલા લોકો હજુ આસારામના ભગત છે અથવા તેમને ખોટા હેરાન કરાઇ રહ્યા હોવાનું માને છે?

આમાં, ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ…’વાળા ‘દીવાર’ન્યાયની વાત નથી કે નથી તેનાથી તેજપાલનો ગુનો હળવો થતો. સમજવાનું એટલું જ છે કે તેજપાલ માટે એક ને ‘સાહેબ’ માટે કે આસારામ માટે બીજી ફુટપટ્ટી રાખતા લોકો વ્યક્તિગત, વિચારગત કે પક્ષગત લાગણીથી દોરાઇને તેજપાલનો વિરોધ કરતા હોય એવી પૂરી શક્યતા છે. તેમને નૈતિકતા કે મૂલ્યો સાથે કશો સંબંધ હોવો જરૂરી નથી. તેજપાલના આવા પતનથી – અને ખાસ તો ‘તહલકા’ની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનથી નાગરિક તરીકે ખેદ થવો જોઇએ, પરંતુ તેમને આનંદ થાય છે.

ઘુળેટી વખતે કીચડના કુંડમાં રમતા લોકોની વચ્ચે કોઇ શ્વેતવસ્ત્રધારી આવી પટકાય તો કેવી ચિચિયારીઓ ઉઠે? તેમાં મૂલ્યો પ્રત્યેનો આદર નહીં, પણ ‘આપણી ઉજવણીમાં ખલેલ પહોંચાડનારો એક ઓછો થયો ને આપણામાં ભળી ગયો’ એવી લાગણી મુખ્ય હોય છે. બેવડાં ધોરણ ધરાવતા લોકો દ્વારા થતો તેજપાલનો તીવ્ર વિરોધ હકીકતે કીચડકુંડમાં તેજપાલનું સ્વાગતગાન છે, જેનો સાર છે, ‘હવે તમે કયા મોઢે અમારા વહાલા નેતા કે પક્ષ તરફ આંગળી ચીંધશો? બોલો?’  તેનાથી સમાજને કે નીતિમત્તા ઝંખતા નાગરિકોને કશો ફાયદો થવાનો નથી.

કિમતી મતને અપવિત્ર કરો

નાગરિકતરફી રાજકારણના દાવા સાથે દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવનાર ‘આમઆદમી પક્ષ’ના અરવિંદ કેજરીવાલનો કિસ્સો આરોપની રીતે જુદો, પણ પ્રતિક્રિયાની દૃષ્ટિએ બહુ અલગ નથી.  અન્ના આંદોલનની પહેલી મુદત વખતે રાતોરાત ક્રાંતિ કરવા નીકળેલા ઘણાએ અન્ના અને અરવિંદ કેજરીવાલને માથે બેસાડ્યા હતા. હવે કેજરીવાલ વિશે લોકોની મુગ્ધતા ઓસરી ચૂકી છે. તેમણે રાજકારણમાં દાખલ થવાનું સ્વીકાર્યું એ આવકાર્ય છે, પણ ભ્રષ્ટાચારવિરોધી ચળવળ વખતે તેમની ફરતે રચાયેલું તેજવર્તુળ હવે જોવા મળતું નથી. તેમની કેટલીક નીતિરીતિઓ સામે ભૂતકાળમાં સવાલ થયેલા છે, પરંતુ તેમાંનો એકેય સવાલ ભાજપ-કોંગ્રેસના નેતાઓના મોઢે શોભતો નથી.

દિલ્હીમાં અને દેશભરમાં કોંગ્રેસ-ભાજપ એટલાં તળિયે બેઠેલાં છે કે તે એકબીજા સિવાયના- એટલે કે કોઇ પણ ધોરણસરના- પક્ષ સાથે ગુણવત્તા કે નૈતિકતાની બાબતમાં હરીફાઇ કરી શકે એમ નથી. કેજરીવાલ જેવા નવા નિશાળીયા સામેની લડાઇમાં પણ કોંગ્રેસ-ભાજપને અંદરથી અવઢવ લાગતી હશે. કારણ કે તેમનો વિશ્વાસ ટકાવી રાખે એવું પોતીકી તાકાતનું કોઇ પરિબળ નથી. તેમનું સઘળું જોર માત્ર નાણાંકોથળી અને રાજકીય દાવપેચોમાં સમાયેલું છે. કદાચ એ જ કારણથી, દિલ્હીમાં આ બન્ને રાષ્ટ્રિય પક્ષોનો પ્રયાસ કોઇ પણ રીતે કેજરીવાલને નીચા પાડવાનો જણાય છે. કેજરીવાલના આમઆદમી પક્ષ વિરુદ્ધ ચૂંટણીભંડોળને લગતા આરોપ કરતી વખતે કોંગ્રેસ-ભાજપના નેતાઓને જરાય શરમ નહીં આવી હોય? એવો સહેજ પણ વિચાર નહીં આવ્યો હોય કે ચૂંટણીભંડોળના મુદ્દે ચોખ્ખાઇની અપેક્ષા રાખનારા એ પોતે કીચડમાં માથાડૂબ ખૂંપેલા છે?

‘આમઆદમી પક્ષ’ના ઉમેદવારો વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન પછી કોંગ્રેસ-ભાજપ મતદારોને શું કહેવા માગે છે? સીધા શબ્દોમાં તે આ રીતે કહી શકાય ઃ ‘જુઓ, જુઓ, કેજરીવાલ મોટી વાતો કરે છે, પણ તેમનો પક્ષ અમારા પક્ષ જેટલો ભ્રષ્ટ છે અને તેમના ઉમેદવારો પણ અમારા ઉમેદવારો જેટલા જ નકામા છે. તો પછી તેમને મત શા માટે આપો છો? આપનો કિમતી અને પવિત્ર મત અમને, જૂના અને જાણીતા ભ્રષ્ટાચારી નકામાઓને જ આપો. ગમે તેમ તો પણ અમે રાષ્ટ્રિય કક્ષાનાં છાપેલાં કાટલાં છીએ.’

હોઉં તો હોઉં પણ ખરો

મૂલ્યહીનતાની બોલબાલાનું અન્ય એક આડપરિણામ છે :  ક્યાંય પણ થોડીઘણી ગુણવત્તા દેખાય એટલે ‘આટલું પણ કોણ કરે છે?’ એમ વિચારીને તેને પોંખવાની હોડ જામે છે. નાનામાં નાના સારા કામને બિરદાવવું જોઇએ, પરંતુ તેમાં પ્રમાણભાન ચૂકી જવાય ત્યારે સમાજમાં માટીપગા દેવતાઓ સર્જાય છે. તેમાં સાહિત્યકારો-કળાકારો-કથાકારોથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને ફિલ્મી હસ્તીઓ પણ આવી જાય. ચોક્કસ કામ કે સિદ્ધાંતને બદલે આખેઆખા માણસને પૂજનીય બનાવી દેવાની વૃત્તિને લીધે, અમુક ક્ષેત્રે સરસ કામ કરતો માણસ ‘હોઉં તો હોઉં પણ ખરો’ના ભ્રમમાં આવી શકે છે. (તેમાં સ્ત્રી-પુરૂષનો બાધ નથી.) નક્કર કામની ભોંયની નીચે ખોટા અહોભાવના તકલાદી થર જામે એટલે માણસનું પતન અનિવાર્ય અને વહેલું બને છે. કારણ કે લોકોનો અહોભાવ જેટલો અપ્રમાણસરનો, એટલી તેમની અપેક્ષાઓ વધારે અને અપેક્ષા વધારે તેમ અપેક્ષાભંગનો ખટકો મોટો.

ભારતમાં પ્રસાર માઘ્યમો અને સોશ્યલ મીડિયાના જબરા વ્યાપ પછી રહ્યુંસહ્યું પ્રમાણભાન પણ ખોવાઇ ગયું હોય એવું લાગે છે.  સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરથી માંડીને બાળ ઠાકરે જેવા રાજકારણી નેતાને ચોક્કસ પ્રકારનાં સ્થાપિત હિતો દ્વારા જે રીતે માથે ચડાવવામાં – અને કેટલાક કિસ્સામાં તો માથે મારવામાં- આવે છે, તે જોઇને સ્વસ્થ માણસને મૂંઝારો થઇ શકે. કોઇ પણ માણસને ભગવાન-સમકક્ષ કે સર્વગુણસંપન્ન બનાવ્યા વિના, ‘શરતો લાગુ’ની ફુદડી સાથે તેની પ્રશંસા ન કરી શકાય? વ્યક્તિપૂજાના પર્યાય જેવો બિનશરતી અહોભાવ ન્યોચ્છાવર કરવાને બદલે, આદરભાવને ચોક્કસ ક્ષેત્ર કે કામગીરી પૂરતો મર્યાદિત ન કરી શકાય?

એવું થઇ શકે તો દેશ સમક્ષ નમૂનેદાર કામ કરનારા થોડા માણસોનાં ઉદાહરણ લાંબા સમય સુધી ટકી શકશે. પરંતુ બધામાં અહોભાવના એક જ પંપથી, એકસરખા ઉત્સાહ વડે હવા ભરવામાં આવે, તો તેમના કદમાં અપ્રમાણસરનો વધારો થતો રહેશે અને ઝડપથી એ દિવસ આવશે, જ્યારે હવાગ્રસ્ત મહાનતાનો ફુગ્ગો ફૂટી જશે. 

શહેરો પરફેક્ટ હોતાં નથી, તેમને પરફેક્ટ બનાવવાં પડે છે!

મિત્રો, લગભગ ચાર મહિનાનાં અંતરાલ પછી આ પોસ્ટ  આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં બ્લોગ લખવાનું બંધ કરવાની કોઈ ઈચ્છા ન છતાં બ્લોગ લખવાનું બંધ થઇ ગયું હતું. આ ચાર મહિનામાં જીવનના વિવિધ મોરચે કેટલું પત્યું અને કેટલું વીત્યું તેની પળોજણમાં હવે પડવાનું મન થતું નથી એટલે આપણે  ’જલસા’ની જ વાત કરીએ. નીચે આપેલો મારો લેખ એક ખાસમખાસ દિવાળી અંકમાં છપાઈ ચૂક્યો છે. ત્રણ ધરખમ-ધુરંધર-ધમાકેદાર લેખક મિત્રો Urvish Kothari, Dipak Soliya, Dhaivat Trivediના પ્રકાશન ક્ષેત્રના અભિક્રમ ‘સાર્થક પ્રકાશન’ દ્વારા વાંચવા અને વસાવવાલાયક દિવાળી અંક ‘જલસો’ બહાર પડી ચૂક્યો છે. ટોની મોરિસની વિખ્યાત અભિવ્યક્તિ – જો સારું-સચોટ વાંચવું હોય અને એવું બહુ ન મળે તો જાતે લખવું પડે – પ્રમાણે આ મિત્રો લખતાં તો હતાં જ પણ હવે તેને બે ડગલાં આગળ લઇ જઈને તેમણે નવું સૂત્ર આપ્યું છે કે જો સારું-સચોટ વાંચવું હોય તો નવી સામગ્રી પ્રકાશિત કરવી પડે. અને આ સૂત્ર પ્રમાણે તેઓ ખરેખર ‘વાંચવાલાયક’ દિવાળી અંક બહાર પાડી ચૂક્યા છે. (‘જલસો’ મેળવાનું સ્થળ: બુકશેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ – ફોન 26441826. આ સિવાય ’સાર્થક જલસો’ બીજા શહેરોમાં પણ ઉપલબ્ધ છે અને તે અંગે કોઇ પણ પ્રકારની પૂછપરછ માટેનો નંબર – 98252 90796.) મારો આ લેખ સાર્થક ‘જલસો’માં તે અંકની થીમને અનુરૂપ સંપાદિત થયેલો છે પણ અહીં મેં મૂળરૂપમાં જ રાખ્યો છે. બસ તો પછી મારો આ લેખ અહીં નૂતન વર્ષના દિવસે વેબ પર પ્રકાશિત કરીને મારા બ્લોગની નવી ઇનિંગ શરૂ કરી રહ્યો છું. 
આપણાં શહેરો – પોરબંદર થી પાલનપુર સુધી – નિરંતર બદલાતાં રહે છે. આ બદલાવની પ્રક્રિયા એટલી સતત ચાલે છે કે એમ લાગે કે દુનિયામાં જો કંઈ શાશ્વત હોય તો તે છે બદલાવ કે પરિવર્તન. આપણે ભારતમાં આ શહેરીકરણની પ્રક્રિયામાં દુનિયાના બીજા દેશો કરતાં થોડા મોડા ઘુસ્યા છીએ. મોડા આવવાના ફાયદા પણ હોય છે અને જે ઘણા લેઇટ લતીફો આપણને (મોડે મોડેથી ય) સમજાવી શકશે. સૌથી મોટો ફાયદો એ છે કે વહેલા આવનારે કરેલી ભૂલોમાંથી આપણે શીખીને તે જ ભૂલો ન કરીએ. ભલે પછી આ પ્રક્રિયામાં આપણે પછી આપણી પોતાની મૌલિક ભૂલો કરીએ. બસ, આ જ એક મજબૂત તર્કને લીધે હું માનું છું કે પશ્ચિમનાં દેશો એ કરેલી શહેરી વિકાસની ભૂલોનું આપણે પુનરાવર્તન કરવાની જગ્યાએ આપણે તે ભૂલોમાંથી શીખીએ અને જે સારું હોય તેને આપણાં શહેરોમાં લાવીએ. માન્યું કે આપણી સંસ્કૃતિ, આપણો સમાજ અને શહેરો એ બધું તેમનાથી અલગ છે પણ ક્યારેક એવી પણ વાત કરીએ કે સરખું શું છે! શીખી શકાય તેવું શું છે અને અહીં લાવી શકાય તેવું શું.

આપણે હવે શહેરી વિકાસના એવા તબક્કામાં છીએ કે જ્યારે પાછલી પેઢીની જેમ આપણી પાસે એવા બહાનાં નથી કે સરકાર પાસે વિકાસના કામ માટે પૈસા નથી કે નીતિઓ નથી. શહેરીકરણની આગેવાની કરતાં દરેક રાજ્યમાં હવે વિકાસનું રાજકારણ ચાલે છે. મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, શહેરના મેયરોને સતત એ બતાવવું પડે છે કે તેઓ ‘વિકાસ’નાં કામો કરી રહ્યા છે. શહેરમાં ગટરની પાઇપલાઇનના ઉદ્ઘાટન માટે આવવા રાજ્યકક્ષાનાં નેતાઓ પડાપડી કરે છે કારણકે હવે શહેરોમાંથી પણ ઘણાં વોટ આવતાં થયા છે. એક વાત તો સ્પષ્ટ છે કે હવે મોટાં મોટાં પ્લાન ઘડવાનો નહિ પણ એક્શનનો અને અમલીકરણનો દૌર હવે ચાલી રહ્યો છે. આવાં વાતાવરણમાં ખરેખર વિકાસ શું છે અને શું કરવું જોઈએ અને શું નહિ – તે પ્રકારની ચર્ચાનો હવે સમય છે. વૃદ્ધિ એ વિકાસ નથી. આમ તો કેન્સર પણ એક પ્રકારની જૈવિક વૃદ્ધિ જ છે, જે શરીરને મારી નાખે છે. પણ સુવ્યવસ્થિત શારીરિક વિકાસ કરવો હોય તો કસરત કરવી પડે, પરસેવો પાડવો પડે ત્યારે ધીરે-ધીરે અને લાંબા ગાળે ફાયદા જોવા મળે છે. તેવું જ કંઈ શહેરી વિકાસનું પણ છે. 

શહેરી વિકાસ એટલે ખરેખર તો જાહેર સુવિધાઓ અને જાહેર જગ્યાઓનો વિકાસ. શહેરને જાહેર અને ખાનગી ચશ્માંથી જોઈએ તો  શહેરમાં જે કંઈ સહિયારું હોય તે બધું જાહેર – રસ્તાં, બાગ-બગીચાં, નદી-તળાવ, ખુલ્લી જગ્યા, મેદાનો અને બધી સંસ્થાઓ પણ. અહીં જાહેર એટલે સરકારી નહિ, જાહેર એટલે આપણાં સૌનું. પણ મુખ્ય વાત એ છે કે જાહેર જગ્યા-સુવિધાઓ માટે આપણે એ પ્રકારનો માલિકી ભાવ ધરાવીએ છીએ કે જે આપણે આપણી ખાનગી મિલકતો માટે રાખીએ છીએ. પોતાનું ઘર સાફ કરી-કરીને ઉકરડો જાહેર રસ્તા નાંખવાથી ઘર ભલે સાફ થાય પણ શહેરો સુંદર બનતાં નથી. આ બધી બદલાવની ધીમી પ્રક્રિયા છે. ઓગણીસમી સદીમાં યુરોપના શહેરોમાં પણ આ પ્રકારની જાગરૂકતા નહોતી, જે ધીરે ધીરે આવી. લોકો શહેરો અને તેની જાહેર જગ્યાઓ વિષે કાળજી લેતાં થયાં, નાના-મોટા આંદોલનો થયા, સરકારો બદલાઈ, તેમની માનસિકતા બદલાઈ, લોકોએ આપેલાં ટેક્સનો સદુપયોગ થવાનો શરુ થયો, લોકશાહી છેવાડા સુધી પહોંચી અને શહેરો સુંદર, વિકસિત બન્યા. ગામની વચ્ચે જે ઉકરડો હતો તેને કોઈએ બાંયો ચઢાવીને સાફ કરવાનો શરુ કર્યો, લોકો તેમાં જોડાયા અને ગામ સાફ થયું. યુરોપમાં આ પ્રક્રિયાઓ સો-બસો વર્ષોથી ચાલે છે એટલે તેમના શહેરો સુંદર છે. વિકાસની આ એક જ રીત છે, તેમાં પશ્ચિમી અને પૂર્વી રીતરસમો જુદીજુદી નથી. આજે એક યુરોપીય દેશમાં થયેલા અનોખા વિકાસની એક અનોખી વાર્તા કરવી છે. 
નેધરલેન્ડનો સાઈકલ-પ્રેમ 
યુરોપીય દેશ નેધરલેન્ડનો સાઈકલ-પ્રેમ જગવિખ્યાત છે. નેધરલેન્ડના શહેરોના અંદરના વિસ્તારની બધી મુસાફરીના લગભગ ત્રીસ ટકા સાઈકલ પર થાય છે. આમ્સ્તરદામ અને હેઈગ જેવા શહેરોમાં તો લગભગ સિત્તેર ટકા મુસાફરીઓ સાઈકલ પર થાય છે. માત્ર એટલું જ નહિ, ડચ શહેરો સાઈકલ-સવારી માટે દુનિયાભરમાં સૌથી સુરક્ષિત શહેરો છે. સરખામણી સારું કહીએ તો અમદાવાદ જેવા શહેરોમાં લગભગ દસથી પંદર ટકા મુસાફરી સાઈકલ પર થાય છે, જે ઓછી જરાય નથી પણ નેધરલેન્ડના શહેરો સાઈકલ સવારીની સ્પર્ધામાં દુનિયાના દરેક દેશથી આગળ નીકળી ગયા છે. ગજબની વાત છે, નહિ! એક્વીસમી સદીમાં આપણે તો ઉડતી કારો અને વાદળો ઉપર મકાનોનાં સપનાં જોતાં હતાં ને આ એક બધી જ રીતે વિકસિત કહી શકાય તેવો યુરોપનો દેશ સાઈકલને આટલું બધું મહત્વ કેમ આપે છે? શું બધાં ડચ લોકોમાં કંઈ આધુનિકતાની કે સામાજિક મોભા વગેરેની સમજ છે કે નહિ? આટલી મોટી સંખ્યામાં સાઈકલનો વપરાશ થતો હોય તો પછી તો અમીર-ગરીબ, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, નેતા અને જનતા બધાને સાઈકલો વાપરવી પડે. એવું તો શું છે કે જે આ બધાને સાઈકલની સવારી સાથે સાંકળી રાખે છે?
તો વાત જાણે એમ છે કે બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને મોટરકારોનું મોટેપાયે ઔદ્યોગીકરણ શરુ થયું તે પહેલાં, દુનિયાના બધા દેશોની જેમ નેધરલેન્ડમાં પણ સાઈકલોનું જબરજસ્ત ચલણ હતું. પચાસ અને સાઠના દાયકામાં વધતી જતી આવક સાથે અને બીજા વિશ્વયુદ્ધ પછીના દેશના નવનિર્માણની સાથે સાથે મોટરકારોનો વપરાશ વધવા માંડ્યો અને સાથે સાથે શહેરી રસ્તાઓ પરથી સાઈકલો ઓછી થતી ગઈ. ટ્રાફિક વધ્યો, એક્સપ્રેસ વે અને ફ્લાય ઓવરો બનવાં લાગ્યા, સાથે સાથે અવાજ અને હવાનું પ્રદુષણ પણ વધ્યું. શહેરોની ખુલ્લી જગ્યાઓ પર વાહનોનાં પાર્કિંગ પાથરવા લાગ્યા. ધીમે ધીમે શહેરો પર માનવ નહિ પણ વાહનોનું આધિપત્ય વર્તાવા લાગ્યું. શહેરોમાં બે ઘડી શાંતિથી ચાલવા પૂરતી પણ જગ્યા મળતી નહોતી. રસ્તો ક્રોસ કરવો તે કોઈ સાહસ કરવા બરાબર હતું. આ કંઇક જાણીતી વાર્તા લાગે છે, નહિ! પણ આપણા શહેરોથી અલગ અહીં વાર્તામાં વળાંક ઉર્ફ કહાનીમેં ટ્વિસ્ટ આવે છે.
1979માં આમ્સ્તરદામમાં સાઈકલો માટે સારી સુવિધાની માંગણી કરતી સાઈકલ રેલી 
માત્ર 1971ની સાલમાં જ વધતા જતા ટ્રાફિક અને બેફામ ગતિએ ચાલતાં વાહનોને લીધે વિવિધ અકસ્માતોમાં નેધરલેન્ડમાં ત્રણેક હજાર લોકો મૃત્યુ પામ્યા. આમાં લગભગ ચારસો પચાસ બાળકો હતાં. અને રોડ અકસ્માતના કોઈ પણ દેશના આંકડામાં જોવા મળે છે તેમ અકસ્માતોમાં મૃત્યુ પામનાર મોટાભાગના લોકો રાહદારીઓ અને સાઈકલ સવારો હતાં. આ પ્રકારના આંકડા પ્રસિદ્ધ થયા, લેખો છપાયા અને આ સાથે જ એક લોકજુવાળ ફાટી નીકળ્યો. એક અખબારી અહેવાલની હેડલાઈન પરથી પ્રેરણા લઈને ‘રસ્તા પર બાળકોની હત્યા રોકો’ (સ્ટોપ દ કિન્ડરમુર્દ)ના નામે એક સામાજિક આંદોલન શરુ થયું. જનતાએ સાઈકલ રેલીઓ કાઢી, રસ્તા રોક્યા, આવેદન પત્રો આપ્યા, રાતોરાત રસ્તાઓ પર કલાકારોએ સાઈકલ માટેના રસ્તા ચીતરી કાઢ્યા, રાજકારણીઓએ આખા મામલામાં રસ લેવો પડ્યો અને જનતાનો અવાજ સંભળાવો પડ્યો. વળી, અધૂરામાં પૂરું સિત્તેરના દાયકામાં મધ્ય-પૂર્વી દેશોના રાજકીય-આર્થિક પ્રવાહોને લીધે ઓઈલ સંકટ ઉભું થયું હતું. ત્યારે આ દેશે નક્કી કર્યું કે ઉર્જાશક્તિના ક્ષેત્રમાં બની શકે તેટલું સ્વ-નિર્ભર થવું અને તે માટે આખી અર્થ-વ્યવસ્થાનો આધાર ક્રુડ-ઓઈલ પર ન રાખવો. આવા રાજકીય વાતાવરણમાં સાઈકલ-સંસ્કૃતિને નવો વેગ મળ્યો. લગભગ સાત-આઠ વર્ષનાં આંદોલનો, દેખાવો વગેરેના હિસાબે દેશભરમાં સૌ માટે માર્ગ સુરક્ષા અને સાઈકલ માટેની ખાસ માળખાકીય સુવિધાઓ આપવાનો શિરસ્તો ચાલુ થયો. તે બાદ પણ સારી માળખાકીય સુવિધા માટે કઈ ડીઝાઈન સારી અને તે સુવિધાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થયા છે અને થઇ રહ્યા છે.
જંકશન પર ગ્રે રંગના વાહનો માટેના રસ્તાની સમાંતર લાલ-ભૂખરાં રંગના સાઈકલ માટેના રસ્તાઓનું તંત્ર 
આજે નેધરલેન્ડના શહેરો અને ગામડાઓમાં જેટલી વાહનો માટે સુવિધા હોય છે, તેવી જ અને તે જ ગુણવત્તાની સુવિધાઓની સમાંતર વ્યવસ્થા સાઈકલો માટે પણ છે. સાઈકલ માટે અલગ, અલાયદા, પહોળા અને સમતલ રસ્તા હોય છે, અલગ સિગ્નલ હોય છે, દરેક ચાર રસ્તે તેમના માટે અલાયદી વ્યવસ્થા હોય છે. રેડ સિગ્નલ પર ટ્રાફિક રોકાય ત્યારે સાઈકલ સવારો બીજા વાહનોની વચ્ચે અટવાયા વગર સૌથી આગળ આવીને ઉભા રહે છે. માત્ર-સાઈકલ માટેના અલગ ફ્લાય ઓવર સુધ્ધાં હોય છે અને લાંબાગાળાની સાઈકલ સવારી માટે હાઈવેની બાજુમાં પણ સાઈકલ માટેના હાઈવે હોય છે. શહેરોની અંદરની વાહનોની ઝડપને રસ્તાની મૌલિક ડીઝાઈન દ્વારા ઓછી કરવામાં આવે છે એટલે શહેરની વચ્ચે વાહનો ધીમી ગતિએ, બીજા વપરાશકારોનું ધ્યાન રાખીને ચલાવવા પડે છે. વળી, કોઈ પણ કાર અને સાઈકલનો અકસ્માત થાય તો ‘કોનો વાંક છે’ તે ચર્ચા કર્યા વગર કાર-ચાલકના લાઈસન્સ પર પેનલ્ટી લાગે છે. આનું સીધું કારણ એ છે કે અકસ્માત ન થાય તેની જવાબદારી શક્તિશાળી અને મોટા વાહન પર વધારે હોય છે. અકસ્માતમાં સાઈકલ સવારનું તો મૃત્યુ પણ થઇ શકે કે તે ગંભીર રીતે ઘાયલ થઇ શકે, જ્યારે કાર ચાલકને જવલ્લે જ ઈજા પહોંચતી હોય છે. જો તમે બીજાને ઈજા થાય તેવું વાહન (એટલે કે કાર) લઈને હાલી નીકળતા હોવ તો તમારે બીજાને સાચવવાની જવાબદારી લેવી પડે. તમને ઝડપથી વાહન ચલાવવાની સત્તા જરૂર છે પણ બીજાને બચાવવાની એટલી જ જવાબદારી પણ તમારી જ છે.  જોયું ને, સાઈકલ સવારો માટે આ સ્વર્ગ જેવો દેશ છે.
આ દેશમાં તો સાઈકલ-સવારોનાં ટોળાં જ હોય! 
રસ્તા અને જાહેર જગ્યાઓની આવી સાઈકલ અને રાહદારી તરફી ડીઝાઈન અને માળખાકીય સુવિધાના લીધે સાઈકલ-સવારની એક જબરજસ્ત સંસ્કૃતિ ઉભી થઇ છે. લોકો થ્રી-પીસ સુટ કે ટુ-પીસ બીકીની સાથે પણ સહજતાથી સાઈકલ ચલાવતાં જોવા મળે છે. શૂન્યની નીચે તાપમાન હોય, બરફનો વરસાદ પડતો હોય, ભયંકર ઠંડી હોય તો પણ સાઈકલ સવારી ચાલુ રહે છે. એટલે સાઈકલ-સવારીમાં હવામાનનું બહાનું ચાલે તેવું નથી. ઉનાળામાં સાદા ટાયર અને શિયાળામાં બરફમાં ચાલી શકે તેવા સ્પાઈકવાળા ટાયર. બાળક ચાલતાં શીખે તે પહેલા માં-બાપ જોડે સાઈકલમાં બેબી-સીટ જોડીને સાઈકલ સવારી કરતું થઇ જાય છે. સામાનની હેરાફેરી માટે કાર્ગો સાઈકલ હોય, સાઈકલ સવારો માટે ટ્રેનમાં અલાયદા ડબ્બા હોય અને કોઈ રેલ્વે સ્ટેશન પર દસેક હજાર સાઈકલ પાર્ક કરવાની જગ્યા ધરાવતું અત્યાધુનિક સાઈકલ પાર્કિંગનું આખું મકાન હોય. સાઈકલસવારોનું નિયમન કરતાં ટ્રાફિક પોલીસ પોતે પણ સાઈકલ જ ચલાવતાં જોવા મળે છે. એક ડચ મિત્રએ કહેલું કે ધારો કે તમે મિત્રો સાથે શનિવાર રાત્રે પાર્ટી કરવા નીકળી પડો છો અને બધાં મિત્રો કોઈ એક પબમાં જવાનું નક્કી કરે. પણ બીજા બધા પાસે સાઈકલ છે અને માત્ર તમારી પાસે જ કાર છે. સૌ ફટાફટ બીજી જગ્યાએ એ પહોંચી જાય અને તમે જાતભાતનાં સિગ્નલો વટાવતાં, પાર્કિંગની જગ્યા શોધતાં, થોડા ક્ષોભ અને શરમ સાથે ત્યાં પહોંચો. બોલો, પોતાની પાસે કાર હોવા છતાં નાનમ લાગે અને સાઈકલ હોય તો બધું નોર્મલ લાગે તેવો દેશ છે નેધરલેન્ડ! 
સાઈકલના વિવિધ સ્વરૂપો અને ઉપયોગો, ફોટો: બીબીસી/થીંકસ્ટોક
નેધરલેન્ડમાં સાઈકલ ચાલન સહજ છે, તેને આપણી જેમ સામાજિક-આર્થિક મોભા સાથે જોડવામાં આવતું નથી. સાઈકલ દ્વારા આપણે પોતાના બોજાનું જાતે વહન કરીએ છીએ તે સ્વનિર્ભરતા જોડાયેલી છે અને સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતાં ફાયદા નફામાં. પણ યુરોપના અમુક દેશોની જેમ અહીં સાઈકલ-ચાલન એ કોઈ તમારી સ્વાસ્થ્ય કે પર્યાવરણની કાળજી લેતા હોવ તેવા દેખાડાનું પ્રતિક નથી. સાઈકલ એ કોઈ કાર કે વાહનો સામેના કલ્પી લીધેલા એકતરફા યુદ્ધનું પ્રતિક પણ નથી. અહીં સાઈકલ ચાલન રોજબરોજનાં જીવનનો ભાગ છે, બહુ સ્વાભાવિક છે. મોટાભાગના લોકો કોઈ ફેન્સી સાઈકલ કે મોંઘા કપડા-એસેસરીનો આગ્રહ રાખ્યા વગર ત્યાં ‘દાદીમાની સાઈકલ’ (ઓમાફીત્સ) તરીકે ઓળખાતી અને આપણે જેને મસમોટી 24ની દેશી સાઈકલ (રોડસ્ટર) કહીએ છીએ તેવી સીધી-સાદી સાઈકલ જ ચલાવે છે.  કોઈ પરદેશી ટુરિસ્ટ આશ્ચર્યથી કોઈ સાઈકલ-સવારને પૂછે કે, ‘તમે કેમ રોજ સાઈકલ ચલાવો છો?’ તો તે સાઈકલ-સવાર હસીને જવાબ દેશે કે, ‘કારણકે, હું એક ડચ વ્યક્તિ છું’. ડચ હોવું અને સાઈકલ ચલાવવી એ બંને હવે એકરૂપ થઇ ગયા છે.
વરસાદ હોય કે ઠંડી સાઈકલ તો ચલાવવી જ પડે, આમ્સ્તરદામ Photo by Bauke Karel
આપણે નેધરલેન્ડ પાસેથી શીખવાનું ઘણુ

ડો. વિનાયક સેન : નાગરિક અધિકારોનાં અંધારાં-અજવાળાં

Dr.Binayak Sen in Ahmedabad

તસવીરોમાં દેખાતા ચહેરા પરથી વ્યક્તિત્વનો અંદાજ બાંધવાનું જોખમી છે : નક્કર લાગતા માણસો તકલાદી નીકળી શકે અને નમ્ર લાગતો માણસ દંભનું પૂતળું પણ નીકળે. છત્તીસગઢમાં માનવ અધિકારનું કામ કરનારા અને એ ‘ગુના’ બદલ સરકારની આંખે ચડી ગયેલા-  ‘માઓવાદીઓના સાથી’ હોવાના અદ્ધરતાલ આરોપ બદલ લાંબો જેલવાસ ભોગવી ચૂકેલા વિનાયક સેન/ Dr. Binayak Senની ઘણી તસવીરો જોઇ છે. તેમાંથી યાદ રહી ગયેલી તસવીરોમાં પોલીસવાનની જાળીની પાછળ દેખાતો એક સૌમ્ય ચહેરો યાદ રહી ગયો હતો. પરંતુ ગુરૂવારે (૧૭-૧૦-૨૦૧૩) સાંજે સાડા ચાર વાગ્યાથી એકાદ કલાક સુધી વિનાયક સેનને સાવ નજીકથી જોયા-સાંભળ્યા પછી લાગ્યું કે તેમની પૂરેપૂરી શાલીનતા તો તસવીરમાં પણ સમાઇ શકી ન હતી. એ તેમના વક્તવ્ય અને સવાલોના જવાબમાં વ્યક્ત થઇ.  નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણીસમિતિના અઘ્યક્ષ બનાવાયા એ વિજયી ક્ષણોમાં પણ મોદીએ હર્ષ મંદરનો નામજોગ અને ડો.સેનનો નામ લીધા વગર – નક્સલવાદીઓનો આયોજન પંચમાં લીધા હતા- એવી રીતે કર્યો હતો. છતાં  ડૉ.સેનની વાતમાં ક્યાંય તેનો ડંખ કે કડક અહેસાસ સુદ્ધાં જોવા મળ્યાં નહીં.

ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ડૉ.સેન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ/PUCL)ના રાષ્ટ્રિય સ્તરના હોદ્દેદાર છે. વ્યવસાયે એ તબીબ અને પ્રકૃતિથી સેવાભાવી હતા. પણ એ જીવનમાં નાગરિક સ્વાતંત્ર્ય જેવો ‘તકરારી’ મુદ્દો ક્યારે અને કેવી રીતે ઘૂસી ગયો?

Prakash N. Shah, Dr.Binayak Sen

અમદાવાદના મહેંદીનવાઝ જંગ હોલની બાજુમાં આવેલા નાના ખંડમાં, ડૉ.સેન અને તેમનાં પત્ની ઇલિના/ Elina Senની  સાથે બેઠેલા પ્રકાશ ન.શાહે તેમની લાક્ષણિક રમતિયાળ શૈલીમાં એવો જ ગંભીર સવાલ પૂછ્‌યો, ‘પહેલે તો આપ સેવાવૃત્તિવાલે- રચનાત્મક કાર્ય કરનેવાલે અચ્છે આદમી થી. ફિર કૈસે બિગડ ગયે?’ આ સવાલનો જવાબ આપતાં ડૉ. સેનનાં પત્ની અને સ્વયં પીયુસીએલ સાથે સંકળાયેલાં ઇલિના સેને મુક્ત હાસ્ય સાથે કહ્યું, ‘એના માટે પીયુસીએલ જવાબદાર છે.’ પછી ડોક્ટરે પણ અછડતી વાત કરી.

રૂમ નાનો હતો, પણ ખીચોખીચ ભરાઇ ગયો હતો. સાડા ચાર વાગ્યે શરૂ થનારી આ મર્યાદિત વર્તુળની બેઠકમાં પાંચ-સવા પાંચ સુધી આવનારા પણ હતા. એકાદ કલાકની અનૌપચારિક બેઠકના અંતે ડૉ.સેને કહ્યું કે છત્તીસગઢમાં આ જાતની મિટિંગ આયોજિત કરવી હોય તો બહુ અઘરું છે. અહીં આટલા લોકો આવી શક્યા એ બહુ આનંદની વાત છે.

L to T : Gautam Thakar, Prakash N. Shah, Dr.Binayak Sen, Elina Sen

પીયુસીએલના ગૌતમ ઠાકરે ભાંગીતૂટી હિંદીમાં પ્રેમપૂર્વક ડૉ.સેન વિશે અને તેમને સંબોધીને ટૂંકી વાત કરી. ત્યાર પછી ડૉ.સેન બોલવા ઊભા થયા. સરેરાશ કરતાં થોડી વધારે ઊંચાઇ, સાદાં કપડાં, એનજીઓ થકી બદનામ થયેલો ઝોળો..કશા આવેશ-અભિનિવેશ વગર તેમણે બોલવાનું શરૂ કર્યું.

અંગ્રેજીમાં સડસડાટ બોલતા પણ હિંદીમાં બોલવામાં વચ્ચે વચ્ચે યોગ્ય શબ્દો શોધવા માટે ભારે મથામણ કરતા ડૉ. સેને તેમની વાત પૂરી કરી, એટલે સવાલ-જવાબનો દૌર શરૂ થયો. છેલ્લે સંજય ભાવેએ ઉપસ્થિતિ સૌ લોકો વતી ભાવપૂર્ણ રીતે સેનદંપતિનો આભાર માન્યો. એટલે પ્રકાશભાઇએ લગે હાથ કહી દીધું કે ‘હવે આભારવિધિ કરવાની રહેતી નથી.’

આટલી અંગત નોંધ પછી આજે ‘દૃષ્ટિકોણ’માં પ્રગટ થયેલો લેખ.

***

હોલિવુડની ફિલ્મોમાં ઘણી વાર જોવા મળે છે : સાવ નિર્દોષ અને પોતાના ધંધારોજગારમાં મશગૂલ હીરો અચાનક અણધારી આફતમાં ફસાઇ જાય. પોલીસ કે જાસુસો ચડી આવે, ધરપકડ કરીને તેને અજ્ઞાત ઠેકાણે લઇ જવામાં આવે, ગંભીર ગુના બદલ તેને આરોપી ઠરાવી દેવામાં આવે, સીધાસાદા હીરોના માથે દુઃખનાં ઝાડ ઉગે…અને હીરોની આંખ ખુલી જાય.

પરંતુ ઘણી વાર ફિલ્મો કરતાં વાસ્તવિકતા વધારે ખતરનાક હોય છે. તેનો અનુભવ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા વિનાયક સેનને બરાબર થઇ ગયો. મૂળ એ સેવાભાવી વૃત્તિવાળો જીવ, પણ છત્તીસગઢ સરકારે અને અદાલતે તેમના માથે રાજદ્રોહનો આરોપ ઠોકી બેસાડ્યો. નાગરિક નિસબત કે રાજકીય જાગૃતિ વગરનો, કેવળ દયાનીતરતો સેવાભાવ હોય તો આપણા દેશમાં બહુ ચાલે. અઢળક માનપાન મળે. ફરિશ્તા તરીકે જયજયકાર થાય. પણ એ જ માણસ જેવો નાગરિકોના હિત માટે સત્તાધીશો સામે શીંગડાં ભેરવે, એ સાથે સમજવું કે તેનો પગ કઠણાઇના કુંડાળામાં પડ્યો- પછી એ ડૉ.કનુભાઇ કળસરિયા હોય કે ડૉ. વિનાયક સેન.

એ ખરું કે આ પ્રકારના સેવાભાવી લોકો હોલિવુડના હીરો જેવા સાવ ‘નિર્દોષ’ નથી હોતા. તેમને બરાબર ખબર હોય છે કે તે શું કરી રહ્યા છે અને તેનાં કેવાં પરિણામ હોઇ શકે છે. પરંતુ લોકોની નિઃસ્વાર્થ સેવા કરતી વખતે સરકારની ક્રૂર- ગુનાઇત ઉપેક્ષા અને દમન-શોષણ જોયા પછી તેમને પોતાનો ધર્મ સમજાય છે. એ ધર્મ છે કોંગ્રેસ-ભાજપ જોયા વિના અને સત્તાધીશોની નારાજગીની પરવા કર્યા વિના, નાગરિકહિતની વાત કરવી. આ રસ્તે આગળ ચાલતાં અંગત હિત જોખમાવાનું છે, જિંદગીની સુખશાંતિ હણાવાની છે – આ બધી ચેતવણીઓ અને સંભાવનાઓ તેમને ડગાવી શકતી નથી અને એ શક્યતાઓ વાસ્તવિકતા બને, ત્યારે આ લોકો કડવાશ કે ઝનૂનથી ઘૂણવા લાગતા નથી.

ગાંધીના સંઘર્ષનો વારસો

ગયા અઠવાડિયે ડૉ.વિનાયક સેન સાથેની અનૌપચારિક સમુહગોષ્ઠિથી આ ખ્યાલ વધારે દૃઢ બન્યો. છત્તીસગઢમાં માઓવાદનો મુકાબલો કરવાના નામે સરકારે રચેલા દળ ‘સાલ્વા જુડુમ’ના અત્યાચારોએ માઝા મુકી હતી. સ્થાનિક લોકોનાં જીવન હરામ કરી થઇ ગયાં હતાં.  સત્તાધારી પક્ષે પોતાના સ્થાનિક માણસો અને તેમના મળતિયાઓના હાથમાં સત્તાવાર રાહે બંદૂકો પકડાવી અને ‘માઓવાદનો મુકાબલો કરવા’ છૂટા મૂકી દીધા.

તેનું પરિણામ આવવું જોઇએ એ જ આવ્યું : સ્થાનિક લોકો એક તરફ માઓવાદી અને બીજી તરફ સાલ્વા જુડુમની બંદૂકો વચ્ચે ભીંસાવા અને પીસાવા લાગ્યા. ડૉ.સેને સાલ્વા જુડુમના નામે ચાલતા સરકારી ત્રાસવાદનો વિરોધ કર્યો, ત્યારે તેમને પણ માઓવાદીઓના સાથીદાર તરીકે ખપાવી દેવામાં આવ્યા અને તેમની સામે રાજદ્રોહનો અતિગંભીર આરોપ મુકવામાં આવ્યો. આરોપ એટલો ગંભીર હતો કે તેમને જેલમાં ગોંધી રાખ્યા પછી જામીન પણ ન મળે. ડૉ.સેનની કામગીરીથી પરિચિત સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા. પછી રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે ડૉ.સેનની મુક્તિ માટેની ઝુંબેશ શરૂ થઇ. આખરે સર્વોચ્ચ અદાલતે ‘સાલ્વા જુડુમ’ને ગેરબંધારણીય ઠરાવીને તેને વિખેરી નાખવાનો આદેશ આપ્યો અને ડૉ.સેનના જામીન મંજૂર કરવામાં આવ્યા.

આવી સરકારોના રાજમાં રાજદ્રોહના આરોપી હોવું, એને ગાંધીજીએ બહુમાન ગણ્યું હોત. એટલે ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉ.સેનની ઉપસ્થિતિ એકદમ બંધબેસતી હતી. આ નિમિત્તે પહેલી વાર સાથી કર્મશીલ અને પત્ની ઇલિના સેન સાથે અમદાવાદ આવેલા ડૉ.સેનની વાતો સાંભળીને નવાઇ લાગે કે આ માણસ પર સરકારે રાજદ્રોહનો કેસ ઠોકી બેસાડ્યો હતો? તેમનાં વાણીવ્યવહારમાં કટુતા તો ઠીક, કડકાઇ કે આકરાપણું પણ નહીં. ગુજરાતના અને દેશના ઘણા મુદ્દા અંગે તેમણે મહેનતપૂર્વક હિંદીમાં અને સડસડાટ અંગ્રેજીમાં, કશી આત્યંતિકતા દર્શાવ્યા વિના કે નાયકપદું ઓઢી લીધા વિના વાતો કરી- સવાલોના જવાબ આપ્યા. તેમની વાતના વિષયોમાં ગુજરાતના કુપોષણના આંકડા અને અન્નસુરક્ષા કાયદાથી માંડીને ફાસીવાદ અને ૨૦૧૪ની ચૂંટણીનો સમાવેશ થતો હતો.

દેશભરમાં ગુજરાત મોડેલની વાત ચાલે છે ત્યારે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં પ્રગટ થયેલા તાજા અહેવાલના આંકડા ટાંકીને ડૉ.સેને કહ્યું કે આંગણવાડીઓના ગેરવહીવટને કારણે ગુજરાતમાં કુપોષણથી પીડાતાં બાળકોનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ‘ડાઉન ટુ અર્થ’ (૩૧ ઓક્ટોબર, ૨૦૧૩)ના અંકમાં ૪ ઓક્ટોબરના રોજ પ્રગટ થયેલા ‘કેગ’ના અહેવાલના આધારે જણાવાયું છે કે ગુજરાતનાં ૨.૨૩ કરોડ બાળકો કેન્દ્ર સરકારના ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ’ના ‘સપ્લીમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ’ (પૂરક પોષણ કાર્યક્રમ)નાં લાભાર્થી બને એમ હતાં. પરંતુ તેમાંથી ફક્ત ૬૩ લાખ બાળકો આ યોજનાનો લાભ લઇ શક્યાં. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ૪૪ ટકા બાળકો મઘ્યમ દરજ્જાના કુપોષણનો અને પાંચ ટકા બાળકો ગંભીર પ્રકારના કુપોષણનો શિકાર બનેલાં જણાયાં હતાં.

સામાન્ય સંજોગોમાં સરકારી ધારાધોરણ પ્રમાણે ગુજરાતમાં કુલ ૭૫,૪૮૦ આંગણવાડી કેન્દ્રો હોવાં જોઇએ. તેને બદલે સરકારે ૫૨,૧૩૭ કેન્દ્રો મંજૂર કર્યાં અને માર્ચ, ૨૦૧૨ સુધી તેમાંથી ૫૦,૨૨૫ કેન્દ્રો કાર્યરત છે. ૧.૮૭ કરોડ બાળકો આંગણવાડીથી અને તેના પરિણામે ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ’ના ફાયદાથી વંચિત રહી જાય છે. એ માટે રાજ્ય સરકાર સિવાય બીજા કોઇને દોષિત ઠરાવી શકાય એમ નથી.
 દેવાલય કરતાં શૌચાલયને પ્રાધાન્ય આપવાના ગુજરાતના મુખ્ય મંત્રીના વિધાનનો ઉલ્લેખ કરીને ડૉ.સેને કહ્યું કે ગુજરાતની ૪૦ ટકા આંગણવાડીઓમાં શૌચાલયની સુવિધા નથી અને ૩૩ ટકા આંગણવાડીમાં પીવાના ચોખ્ખા પાણીની પણ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેની અસમાનતા વધતી જાય છે. એટલું જ નહીં, ગરીબોને બે ટંક ભોજન અને પીવાના પાણીનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. અન્નની અછતની વાત થાય છે, પણ પાણીનો મુદ્દો એટલો ચર્ચાતો નથી.

અભ્યાસે તબીબ હોવાના નાતે પોષણને લગતી વિગતો ડૉ.સેનના રસનો એક મુખ્ય વિષય છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝના હોદ્દેદાર તરીકે પણ આ મુદ્દે તે ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકારના અન્નસુરક્ષા વટહુકમની સૌમ્ય શબ્દોમાં કડક ટીકા કરીને કહ્યું કે ‘આ તો બિમારી કરતાં દવા વધારે નુકસાનકારક હોય એવો ઘાટ થયો છે.’ સરકારી અન્નસુરક્ષા યોજના પૂરતી વ્યાપક નથી, તેમાં ફક્ત ઘઉં-ચોખા (કાર્બોહાઇડ્રેટ)ને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જાહેર વિતરણ પ્રણાલીનાં ઠેકાણાં નથી- એવા ઘણા મુદ્દા તેમણે ઉભા કર્યા. તેમના મતે અન્નસુરક્ષા કાયદાનું સારું પાસું હોય તો એક જ : તેનાથી અન્નસુરક્ષાના મુદ્દે કાયદેસર લડત આપી શકાશે અને વંચિત લોકોના અન્નના હક માટે અદાલતમાં જઇ શકાશે. આ બાબત પર ઘ્યાન કેન્દ્રિત કરીને તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ, એવું તેમનું સૂચન હતું. યુપીએ સરકારના રાજમાં આયોજન પંચની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્ય રહી ચૂકેલા ડૉ.સેને કહ્યું કે એક તરફ અનાજ સંઘરવાની જગ્યાઓ નહીં હોવાને કારણે એ સડી જાય છે, ત્યારે ભારતના અન્નમંત્રી શરદ પવાર કહે છે કે દેશના બધા લોકોને ભોજન પૂરું પાડવું શક્ય નથી. આ અંગે મોન્તેકસિંઘ આહલુવાલિયા સાથેના પોતાના અનુભવને યાદ કરીને, ડૉ.સેને કહ્યું કે એમની પાસેથી બહુ આશા રાખી શકાય એમ નથી.

પડકારો સામે પા પા પગલી

ડૉ.સેનની વાતચીતના કેન્દ્રીય ઘ્વનિમાં કોઇ ચોક્કસ રાજકીય પક્ષની ટીકાને બદલે સમાજના અમુક વર્ગમાં ફેલાયેલી સુખસંતોષની લાગણીની ચિંતા વધારે હતી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેનું અંતર વધી રહ્યું હોય એવા વિષમ માહોલમાં સમાજનો એક વર્ગ પરમસુખમાં મહાલી રહ્યો છે, એ સૌની ચિંતાનો વિષય હોવો જોઇએ. ફાસીવાદના ફેલાવા વિશે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અત્યારનો ફાસીવાદ પ્રગટ નથી અને એ ગુજરાત પૂરતો કે ભારત પૂરતો મર્યાદિત પણ નથી. અસલમાં તે વિશ્વભરમાં સળવળી રહ્યો છે. એની સામે શી રીતે લડવું એ આપણા માટે મોટો પડકાર છે.

સરકારો કેવી રીતે કામ કરે છે તેના એક નમૂના તરીકે ડૉ.સેને છત્તીસગઢનો દાખલો આપ્યો. સર્વોચ્ચ અદાલતે સાલ્વા જુડુમના સરકારી સૈન્યને વિખેરી નાખવાનો અને તેમની પાસેથી શસ્ત્રો લઇ લેવાનો આદેશ આપ્યો, ત્યારે છત્તીસગઢના મુખ્ય મંત્રીએ શરમાવાને બદલે શું કર્યું? તેમણે સાલ્વા જુડુમના ૩,૨૦૦ લોકોમાંથી આશરે ૨,૯૦૦ લોકોને  કશી ઔપચારિકતા વિના પોલીસદળમાં સમાવી લીધા અને સત્તાવાર રાહે તેમને શસ્ત્રો પણ આપ્યાં. આ ચેષ્ટાથી ખફા થયેલી સર્વોચ્ચ અદાલતે  છત્તીસગઢ સરકારને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં યુપીએ અને એનડીએમાંથી કોની ‘ઓછા અનિષ્ટ’ તરીકે પસંદગી કરવી? એના જવાબમાં ડૉ.સેને કહ્યું કે આ વાતને આટલી સીધીસાદી રીતે જોઇ શકાય નહીં. એમ કરવાથી રાજકારણીઓની જાળમાં આવી જવાય છે. તેમનો મુદ્દો એ હતો કે નાગરિક તરીકે આપણો લોકશાહી સાથેનો સંબંધ-સંપર્ક કેવળ ચૂંટણી પૂરતો જ મર્યાદિત હોવો ન જોઇએ. સરકાર ચાહે કોઇ પણ હોય. ‘એનડીએને હું ક્રેડિબલ પોલિટિકલ ફોર્સ- વિશ્વસનીય રાજકીય પરિબળ- ગણતો નથી’ એમ કહીને, તેમણે ‘નન ઑફ ધ અબોવ’ (ઉપર જણાવેલા ઉમેદવારોમાંથી એક પણ નહીં)નો વિકલ્પ વિચારવા સૂચન કર્યું. અલબત્ત, એ વિકલ્પનાં પૂરેપૂરાં પરિમાણ હજુ ઉઘડ્યાં નથી એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું.

નાગરિક અધિકારો અંગેની કામગીરીમાં કોઇ સરકારના ખોળે બેસવાથી કામ ચાલતું નથી અને સરકારની સામે પડવાનાં જોખમથી બીને પણ કામ થઇ શકતું નથી. ‘યુપીએ કે એનડીએ?’ જેવા સવાલો કે તેના ‘યોગ્ય વિકલ્પ સામે ટીક કરો’ એવા સહેલા જવાબો હોઇ શકતા નથી. પરંતુ શું ન હોવું જોઇએ એની સમજણ દૃઢ થાય, તો પછી જે હોવું જોઇએ તેની દિશામાં ગતિ શક્ય બને. ડૉ.સેન જેવા લોકો એ અંધકારમય દિશામાં યથાશક્તિ અજવાળું પાથરી રહ્યા છે. 

પ્રચારનાં પૂર, સચ્ચાઇની સાંકળો

ગયા સપ્તાહે ભાજપની લાંબી આંતરિક ખેંચતાણનો અંત આવ્યો. ‘ભાજપાસ્થળી’ની સંભાવના ટળી ને અંગ્રેજી શબ્દપ્રયોગ પ્રમાણે, ‘ચાના પ્યાલામાં ફુંકાયેલું વાવાઝોડું’ (સ્ટોર્મ ઇન ટી કપ) શમી ગયું. લાલકૃષ્ણ અડવાણીનું અંતે કેશુભાઇ પટેલકરણ કરી નાખવામાં આવ્યું અને તેમના વાંધાવિરોધને નેવે મૂકીને લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ભાજપે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી.

ગુજરાતના મુખ્ય મંત્રી મોદી ઘણા સમયથી પોતાની જાતને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવામાં કોઇ પણ હદે જવાની તત્પરતા અને મોટા ભાગના લોકો આવા પ્રચારથી અંજાય છે એની ખાતરી ધરાવતા મોદીએ વડાપ્રધાન બનવા માટે આદરેલી કવાયત ફક્ત માર્કેટિંગની દૃષ્ટિએ જ નહીં, મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ અભ્યાસનો વિષય છે.

ભાજપ દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત પછી એવો માહોલ સર્જાયો કે જાણે લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી લીધા પછી, ભાજપે મોદીના નામની જાહેરાત કરી હોય. મેચ શરૂ થતાં પહેલાં, સંભવિત ઉમેદવારની કેપ્ટન તરીકે વરણી થાય, એટલે ટીમ ‘જીતી ગયા, જીતી ગયા’નો શોર મચાવે અને ઢોલનગારાં-ફટાકડાથી ઉજવણી કરવા લાગે, એવી આ વાત છે. પરંતુ નરેન્દ્ર મોદી અને તેમના ભક્તો-સમર્થકો  પ્રમાણભાન માટે જાણીતા નથી.

મોદીના જયજયકારની ગળી પ્રશંસા કે કડવી ટીકામાં તણાઇ જવાને બદલે, કેટલીક સીધીસાદી-નક્કર હકીકતો યાદ રાખવાનું પૂરતું છે. ગંગાના ધસમસતા પ્રવાહમાં યાત્રાળુઓના લાભાર્થે સાંકળો મૂકવામાં આવે છે, જેથી તે ડૂબવાના ભય વિના, સાંકળ પકડીને સલામત રીતે સ્નાન કરી શકે. એવું જ આ પ્રાથમિક મુદ્દાની જરૂરિયાત વિશે કહી શકાય.

૧. લાંબા સમયથી અડવાણી અને મોદી વચ્ચે પડેલી ગાંઠ ભાજપી નેતાગીરી ઉકેલી શકી નહીં. એટલે ફિરકી વીંટતી વખતે ગુંચળાવાળો ભાગ તોડીને ફેંકી દેવામાં આવે, એમ અડવાણીનો વિરોધ ફગાવી દેવાયો છે. વડાપ્રધાનપદના ઉમેદવાર કોને બનાવવા એ ભાજપની મુન્સફીનો વિષય છે. પરંતુ પરિવારકેન્દ્રી કોંગ્રેસ કરતાં ભાજપ જુદો અને વધારે આંતરિક લોકશાહી ધરાવતો પક્ષ છે, એ દર્શાવવા માટે ભાજપ પાસે ઉત્તમ મોકો હતો. વડાપ્રધાનપદના ઉમેદવાર માટે પક્ષમાં આંતરિક ચૂંટણી યોજાઇ હોત તો, પરિણામ આ જ આવ્યું હોત. પણ પસંદગીપ્રક્રિયામાં પારદર્શકતાનો દાખલો બેસત. એને બદલે પસંદગીની આખી પ્રક્રિયા પાછલા બારણે ચાલતી ખટપટો થકી થઇ અને કાવાદાવાની અનેક કથાઓ-અટકળોને જન્મ આપતી ગઇ.

૨. પ્રમુખશાહી પદ્ધતિ ધરાવતા અમેરિકામાં બન્ને મુખ્ય પક્ષોએ પોતપોતાના પ્રમુખપદના ઉમેદવાર ચૂંટવા પડે છે. એ માટે પક્ષમાં પણ ભારે રસાકસીભરી આંતરિક ચૂંટણી (‘પ્રાયમરી’) થાય છે. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે ઓબામાએ પોતાનાં જ પક્ષનાં હિલેરી ક્લિન્ટનને આકરી ટક્કર આપવી પડી હતી. પરંતુ એક વાર આંતરિક ચૂંટણી થઇ ગયા પછી, ઓબામાની ઉમેદવારી નક્કી થઇ એટલે હિલેરી ઓબામાના પ્રચારમાં લાગી ગયાં અને તેમની સરકારમાં ગૃહમંત્રી પણ બન્યાં. ભાજપમાં -કે ભારતમાં- આ જાતનો રિવાજ કેટલી હદે શક્ય બને એ સવાલ છે.

સાથોસાથ, એ પણ યાદ રાખવું રહ્યું કે સંસદીય લોકશાહી ધરાવતા ભારતની ચૂંટણીપ્રક્રિયામાં ‘વડાપ્રધાનપદના ઉમેદવાર’નું બંધારણીય કે સત્તાવાર વજૂદ કશું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આ જાહેરાત ભાજપ માટે બંધારણીય કે કાનૂની રીતે બંધનકર્તા નથી- અને નૈતિકતાની વાત કરતાં જીવ ચાલતો નથી. લોકસભાની ચૂંટણી પછી સરકાર રચવા માટે ભાજપને બીજા પક્ષોના ટેકાની જરૂર હોય અને એવા પક્ષોને વડાપ્રધાન તરીકે જો મોદી સ્વીકાર્ય ન હોય, તો ભાજપ બીજા કોઇ નેતાને પણ વડાપ્રધાન બનાવી શકે. એ  જુદી વાત છે કે ધનકુબેરોનો ટેકો ધરાવતા મોદી બને ત્યાં સુધી લાલચો-પ્રલોભનોથી અને જરૂર પડ્યે મૂછ નીચી કરીને સાથીપક્ષોને મનાવી લે.

૩. કોંગ્રેસની વર્તમાન સરકારની ગમે તેટલી આકરી ટીકા વાજબી લાગે એવી છે. પરંતુ ટીકા કરતી વખતે કે તેમાં સૂર પુરાવતી વખતે નક્કી એટલું કરવાનું કે વાંધો કોની સામે છે? કોંગ્રેસની -ગાંધી પરિવારની સામે? કે કોંગ્રેસી સરકારની નીતિઓ સામે?

ઘણા લોકો- ખાસ કરીને નવી પેઢી- કશું સમજ્યાજાણ્યા વિના, પ્રચારમારામાં આવીને, હવામાંથી અહોભાવ અને અભાવ ડાઉનલોડ કરી લે છે. તે ગાંધી પરિવારના અને કોંગ્રેસના વિરોધને દેશભક્તિનો અકાટ્ય પુરાવો અને પોતાની રાજકીય સમજણનો પુરાવો ગણે છે. આમ કરવામાં પોતે કેસરિયા પ્રચારનો ભોગ બની ગયા છે, એવું તે સમજી કે સ્વીકારી શકતા નથી. કોંગ્રેસનાં પાપ એટલાં બધાં છે કે સમજણપૂર્વક તેનો વિરોધ કરવામાં પણ મુદ્દા ખૂટે એમ નથી. સમસ્યા ફક્ત એટલી છે કે એમાંના ઘણાખરા મુદ્દા ભાજપને પણ લાગુ પડે છે.

૪. દેશના અસરકારક વહીવટનું સ્વસ્થ દર્શન સત્તાલક્ષી રાજકારણમાં ખદબદતા એકેય પક્ષના એકેય નેતા પાસે હોય એવું લાગતું નથી. કમનસીબી તો એ છે કે આવું કોઇ દર્શન ઊભું કરવામાં તેમને રસ હોય એવું પણ જણાતું નથી. નરેન્દ્ર મોદીએ અસરકારક અતિપ્રચારના જોરે પોતાની મહાશક્તિમાન તરીકેની છબી ઉભી કરી છે અને ઘણા લોકોને ઘણા સમય માટે તે આંજી શક્યા છે. પરંતુ તેમના ગુજરાતસ્તરના મોટા ભાગના દાવા તટસ્થ તપાસમાં ટકે એવા નથી. તેમાં નકરી દેખાડાની હવાનું પ્રમાણ ઘણું મોટું છે.

અર્થતંત્રથી માંડીને વિદેશનીતિ જેવી બાબતોમાં અત્યાર લગી નરેન્દ્ર મોદી જે કંઇ બોલ્યા છે તેમાં એમની પ્રચારપટુતા અને લોકરંજની શૈલીથી વધારે કશું નથી. એક પુખ્ત-પાકટ-વિચક્ષણ નેતાને છાજે એવું, આંબાઆંબલી વગરનું, વાસ્તવિક ધરતીની વાત કરતું કશું એમની પાસેથી ભાગ્યે જ સાંભળવા મળે છે. તેમની મોહિનીમાં આવેલા ઘણા લોકો એવું માને કે તે વડાપ્રધાન બનશે તો (વિઝા નહીં આપવા બદલ) અમેરિકાને પાઠ શીખવશે અથવા ચીનને સીઘુંદોર કરી નાખશે કે પાકિસ્તાનને કચડી નાખશે. આવાં ટેક્‌નિકલર સ્વપ્નાં જોનારે યાદ રાખવું જોઇએ કે ભારત એ ગુજરાત નથી, અમેરિકા-ચીન એ કોંગ્રેસની કેન્દ્ર સરકાર નથી અને વડાપ્રધાનપદું એ સરમુખત્યારી નથી.

૫. લોકસભાની ચૂંટણી ક્યારે આવી પડશે એ કહી શકાય નહીં, પણ વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવાર મોદીએ સામૈયાં-ઉજવણાં પહેલાં હજુ બહુ લાંબો રસ્તો કાપવાનો છે. તેમને મદદ આપનારા સાથીપક્ષોમાં અત્યારે જયલલિતા (એઆઇએડીએમકે, તામિલનાડુ), પ્રકાશસિંઘ બાદલ (અકાલીદળ, પંજાબ) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના, મહારાષ્ટ્ર) છે. ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા જેવાં રાજ્યોમાં ભાજપ પોતાના બળે કેટલું કરી શકે એ સવાલ છે અને બીજા પક્ષોમાંથી મોદી સાથે બેસવા તૈયાર હોય એવાં નામ અત્યારે ભાગ્યે જ દેખાય છે. મુલાયમસિંઘ, માયાવતી, મમતા બેનરજી, નવીન પટનાયક, ડાબેરી પક્ષો- આ સૌને કોંગ્રેસ સામે હોય એટલા જ વાંધા મોદી સામે પણ છે.   ઇશાન ભારત અને દક્ષિણ ભારતમાં ભાજપને શોધવો પડે એમ છે. દક્ષિણમાં જયલલિતા સિવાય બીજા કોઇએ હાથ લંબાવ્યો નથી. કોંગ્રેસના ભ્રષ્ટાચારની આકરી ટીકા કરનારા મોદી ભ્રષ્ટાચાર માટે જેલમાં જઇ ચુકેલાં જયલલિતાને સાથે રાખીને, તેમને રીઝવીને, તેમના ટેકાથી સરકાર બનાવીને કયા સુરાજના અને કેવા સ્વચ્છ શાસનના દાવા કરશે? જેલમાં જઇ આવેલા અને રાજ્યવટો ભોગવી ચૂકેલા ખાસ માણસ અમિત શાહને રાષ્ટ્રિય સ્તરે સ્થાપિત કરીને મોદી કયા સુશાસનની વાત કરશે?  પરંતુ આ બઘું અત્યાર લગી ચાલતું રહ્યું છે, એટલે તેમને લાગતું હશે કે એ રાષ્ટ્રિય સ્તરે પણ ચાલશે.

૬. મોદીને ભગવાન માનતા ભૂતપૂર્વ પોલીસ અફસર વણઝારાનાં સ્વસ્તિવચનો હોય કે સુપ્રીમ કોર્ટના ‘સલાહકાર મિત્ર’ રાજુ રામચંદ્રનનો અહેવાલ, મોદીનું કબાટ અનેક હાડપિંજરોથી ખીચોખીચ ભરાયેલું છે. ‘કેગ’ના અહેવાલોમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારની ટીકાથી માંડીને લોકાયુક્ત તરીકે જસ્ટિસ મહેતાની નિમણૂંકમાં મુખ્ય મંત્રી તરીકે મોદીની ભૂમિકા પારદર્શકતા અને સુશાસનની વાતો કરતા કોઇ નેતાને છાજે એવી બિલકુલ નથી. કોમી હિંસા અને ત્યાર પછી ‘મુખ્ય મંત્રીની હત્યાના કાવતરા માટે આવેલા ત્રાસવાદીઓ’નાં એન્કાઉન્ટર બાબતે મોદી સરકાર ન્યાયના પક્ષે ઊભી હોય, એવું કદી લાગ્યું નથી. અદાલતોએ ઘણુંખરું તેમની સરકારને કાંઠલેથી ઝાલવી પડી છે.

રાજ્યમાં બંધારણીય સંસ્થાઓની ઉપેક્ષાની બાબતમાં મોદીની સરકારે વિક્રમી કામગીરી કરી છે. વિધાનસભાની કામગીરી પણ ઓછામાં ઓછી ચાલે અને ‘કેગ’નો અહેવાલ તો ટૂંકા સત્રના છેલ્લા દિવસે જ મુકાય, એ તેમની ખાસિયત ગણી શકાય એવી બાબતો છે. છ થોડાં વર્ષ પહેલાં પોતાના રાજમાં બાળકોની હત્યાના ગંભીર ગુના બદલ આસારામ સામે આંગળી ચીંધાઇ, ત્યારે ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાત કરનાર મુખ્ય મંત્રીએ શું કર્યું હતું? ગામમાં ગર્જનાઓ કરીને તમામ ઉંમરનાં બાળકોને આંજી નાખતા મુખ્ય મંત્રી આસારામ વિરુદ્ધ હરફ સરખો ઉચ્ચારી શક્યા ન હતા.

આ બઘું જોવું કે નહીં, મન પર લેવું કે ન લેવું, યાદ રાખવું કે ભૂલી જવું, એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે. પરંતુ આવું કશું છે જ નહીં અને આ બધો ‘મોદીવિરોધીઓનો’ કે ‘ગુજરાતવિરોધીઓનો’ જૂઠો પ્રચાર છે, એમ કહેવું દિવસને રાત કહેવા બરાબર છે. ગુજરાતમાં ઘણાને- અને દેશમાં પણ કેટલાકને આમ કરવામાં પરમ સુખનો અનુભવ થાય છે. હવે મોદી આ અનુભૂતિ રાષ્ટ્રિય સ્તરે વઘુ વ્યાપક બનાવવા ઇચ્છે છે. ભાજપે તેમને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવીને, એ દિશામાં આગળ વધવાનો પરવાનો આપ્યો છે. તે અનેક વિશેષાધિકારો ધરાવતો ડિપ્લોમેટિક પાસપોર્ટ છે કે ઉઠી ગયેલી પેઢીની હૂંડી, એ સમય આવ્યે ખબર પડશે. 

સેન વિરુદ્ધ ભગવતી : અર્થ(શાસ્ત્રીઓ)નો અનર્થ

કહેણી એવી છે કે ‘જ્ઞાનીસે જ્ઞાની મિલે તો કરે જ્ઞાનકી બાત’. પરંતુ હંમેશાં એમ બનતું નથી. પ્રો.અમર્ત્ય સેન અને પ્રો.જગદીશ ભગવતી વચ્ચે થયેલા -અને પ્રસાર માઘ્યમોએ હદ બહાર ચગાવેલા- કડવા વિવાદે વઘુ એક વાર એ સાબીત કર્યું છે.

પ્રો.અમર્ત્ય સેન અર્થશાસ્ત્રમાં તેમના પ્રદાન બદલ નોબેલ મેમોરિયલ પ્રાઇઝ મેળવી ચૂક્યા છે, જે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીવિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ માટે અપાતાં નોબેલ પારિતોષિક કરતાં અલગ હોવા છતાં, એટલું જ પ્રતિષ્ઠિત ગણાય છે. પ્રો.સેનના કટ્ટર હરીફ પ્રો.ભગવતી અર્થશાસ્ત્રમાં એ જ સન્માનના મજબૂત હકદાર મનાય છે. પ્રો.સેન હાર્વર્ડ યુનિવર્સિટી સાથે અને પ્રો.ભગવતી કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાથી, નોબેલ સન્માનને બાદ કરતાં બન્નેનો મોભો સમકક્ષ છે.

પ્રો.ભગવતી કરતાં માંડ નવ મહિને મોટા પ્રો.સેન આ નવેમ્બરમાં એંસી વર્ષ પૂરાં કરશે. તેમણે અર્થશાસ્ત્રી ઝ્‌યોં ડ્રેઝ સાથે લખેલું પુસ્તક ‘એન અનસર્ટન ગ્લોરીઃ ઇન્ડિયા એન્ડ ઇટ્‌સ કોન્ટ્રાડિક્શન્સ’ આ વર્ષે પ્રગટ થયું. તેમની સાથે જૂની હરીફાઇ ધરાવતા પ્રો.ભગવતીએ પ્રો.અરવિંદ પાનાગરિયા સાથે મળીને એક પુસ્તક લખ્યું : ‘વ્હાય ગ્રોથ મેટર્સ : હાઉ ઇકોનોમિક ગ્રોથ ઇન ઇન્ડિયા રીડ્યુસ્ડ પોવર્ટી એન્ડ ધ લેસન્સ ફો અધર ડેવલપિંગ કન્ટ્રીઝ’. પ્રો.પાનાગરિયા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રો.ભગવતીના નામની ‘ચેર’ (દાનથી ઉભા કરાયેલા સ્થાન પર અઘ્યાપકપદું) શોભાવે છે.

સેન-ભગવતી વચ્ચેની સ્પર્ધા જાણકારોના મતે પાંચેક દાયકા જૂની છે. પ્રો.સેનને નોબેલ પારિતોષિક મળ્યા પછી તેમાં કડવાશનો નવો ડોઝ ઉમેરાય એ સમજી શકાય એવું છે. પરંતુ હાલની તકરારની શરૂઆત સેન-ડ્રેઝના પુસ્તકની સમીક્ષાથી થઇ. બ્રિટિશ સામયિક ‘ઇકોનોમિસ્ટ’માં એ સમીક્ષા છપાઇ, એટલે ભગવતી-પાનાગરિયાએ તંત્રીને પત્ર લખ્યો. તેમાં સેન-ડ્રેઝના પુસ્તકની અડફેટે લીઘું. તેમનો મુખ્ય આરોપ છે કે પ્રો.સેન આર્થિક વૃદ્ધિ (ગ્રોથ)ની તરફેણમાં હોવાનો કેવળ ડોળ (‘લીપ સર્વિસ’) કરે છે. તેના જવાબમાં, પ્રો.સેને પોતાના વલણનો આક્રમક બચાવ કર્યો.

તણાયેલી શબ્દ-તલવારો

આગ બરાબર લાગી ચૂકી હતી. દરમિયાન, નવા પુસ્તક નિમિત્તે સમાચારમાં રહેલા પ્રો.સેને એક મુલાકાતમાં કહ્યું કે તે ગુજરાતના મુખ્ય મંત્રીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતા નથી. ગુજરાતના બહુ વખણાયેલા વિકાસ મોડેલમાં કેટલીક બાબતોની તેમણે પ્રશંસા કરી અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રહેલાં ગાબડાંની ટીકા પણ કરી. પ્રો.સેનનાં આ વિધાનોથી બળતામાં પેટ્રોલ હોમાયું. અર્થશાસ્ત્રની બે છાવણીઓ કોંગ્રેસ-ભાજપના રાજકીય જૂથમાં વહેંચાઇ ગઇ. ભાજપના ઉત્સાહી સાંસદ-પત્રકાર ચંદન મિત્રાએ પ્રો.સેનને અપાયેલો ‘ભારતરત્ન’ પાછો લેવા સુધીનો ઉશ્કેરાટ બતાવ્યો અને પછી માફી પણ માગી.

બન્ને વચ્ચેની તકરારનો મૂળભૂત મુદ્દો ‘ગ્રોથ’ (આર્થિક વૃદ્ધિ) અને ‘ડિસ્ટ્રિબ્યુશન’ (વહેંચણી)ને લઇને છે, પરંતુ એ ખેંચતાણ ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ની યાદ અપાવે એવી બની ગઇ છે. પ્રો.સેન માને છે કે સરકાર દ્વારા નાણાંની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવે, તો ગરીબ લોકો શિક્ષણ-આરોગ્ય જેવા મૂળભૂત સંઘર્ષોમાંથી ઉગરે અને જરા ઊંચા આવે. એટલે કે, સરકાર ગરીબોની મૂળભૂત જરૂરિયાતો માટે ઉદાર હાથે સબસીડી આપે, તો દેશની સર્વાંગી વૃદ્ધિ થાય. ગરીબોને પણ આર્થિક વૃદ્ધિનો લાભ મળે. ગરીબી દૂર કરવા અંગેના અર્થશાસ્ત્રીય ચિંતનને કારણે પ્રો.સેન ‘અર્થશાસ્ત્રનાં મધર ટેરેસા’ તરીકે પણ ઓળખાય છે. પરંતુ એ વિશેષણમાં પ્રશંસાની સાથોસાથ ટીકાનો ભાવ પણ છે. કારણ કે મધર ટેરેસા ઉપર પણ ગરીબોની ગરીબી જળવાઇ રહે એ રીતે તેમની સેવા કરવાનો આરોપ મુકાતો હતો.

પ્રો.સેનની ગરીબતરફી છાપથી પ્રો.ભગવતી ઘુંવાપુંવા થાય છે. એમની દલીલ છે કે ગરીબોની ચિંતા ફક્ત સેનને જ છે, એવું કોણે કહ્યું? અમે પણ સેનની જેમ જ ગરીબી દૂર કરવા ઇચ્છીએ છીએ. અમારી પદ્ધતિ જુદી છે. પ્રો.ભગવતીએ લખ્યું છે કે ‘હું સાઠના દાયકાથી આયોજન પંચમાં ગરીબીનિવારણનું કામ કરું છું. સેન તો ત્યારે ક્યાંય ન હતા.’ પ્રો.ભગવતી માને છે કે ગરીબોમાં રૂપિયા વહેંચવા માટે પહેલાં રૂપિયા જોઇએ કે નહીં? તેમની સુધારા પદ્ધતિમાં પહેલો તબક્કો (ટ્રેક ૧ રીફોર્મ) છે : દેશના અર્થતંત્રમાં વૃદ્ધિ થાય એ માટેનાં પગલાં લેવાં. ત્યાર પછી બીજા તબક્કાના (ટ્રેક ૨) સુધારા અમલમાં આવે. તેમાં આર્થિક વૃદ્ધિના પરિણામે મળેલાં નાણાં યોજનાઓ થકી નહીં, પણ સીધાં ગરીબોને મળે એ રીતે પહોંચવાં. ગરીબો એ નાણાં પોતાની પસંદગી અને પ્રાથમિકતા મુજબ વાપરી શકે અને પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.

સામાન્ય છાપ એવી છે કે પ્રો.સેન ગરીબતરફી છે અને પ્રો.ભગવતી બજારતરફી. પરંતુ ગરમાગરમીની સહેજ અંદર જતાં જણાશે કે પ્રો.ભગવતી પણ હાડોહાડ બજારવાદી નથી એટલે કે ‘બજાર બઘું સંભાળી લેશે’ અને ‘સરકારે બિલકુલ વચ્ચે પડવું જોઇએ નહીં’ એવું એ માનતા નથી. સરકારે ગરીબોને મદદ કરવી જોઇએ, એવો વેલ્ફેર સ્ટેટનો સિદ્ધાંત તે સ્વીકારે છે. આવી મૂળભૂત બાબતમાં સેન-ભગવતી એકમત છે.

ફરક પ્રાથમિકતાનો છે અને એ મોટો છે. દા.ત. અમર્ત્ય સેને સરકારના વિવાદાસ્પદ ફુડ સિક્યોરિટી બિલને ટેકો આપ્યો હતો. કારણ કે એ માને છે કે પહેલાં ગરીબો પાછળ ખર્ચ કરીને તેમને ગરીબીરેખાથી ઉપર લાવશો તો દેશના ‘વર્કફોર્સ’માં- કામ કરવાની ક્ષમતા ધરાવનારા લોકોમાં- વધારો થશે. પરિણામે આર્થિક વૃદ્ધિ મળશે. પ્રો.ભગવતી માને છે કે ફુડ સિક્યોરિટી બિલ-ગ્રામીણ રોજગાર યોજના જેવી અબજો રૂપિયાનું આંધણ કરનારી યોજનાથી દેશના અર્થતંત્રને ફટકો પડશે અને આર્થિક વૃદ્ધિ રૂંધાશે. આર્થિક વૃદ્ધિ જ નહીં થાય, તો ગરીબોને મદદ કરવાનાં નાણાં ક્યાંથી આવશે?

ફુડ સિક્યોરિટી બિલ અને ગ્રામીણ રોજગાર યોજના માટેની અઢળક સરકારી સબસીડીનો વિરોધ થાય ત્યારે પ્રો.સેનની દલીલ છે : ‘ગરીબોને સીધી મદદ કરતી હોય એવી સબસીડી જ તમને કેમ ખટકે છે? વીજળી, બળતણ, ખાતર, રાંધણગેસ- આ બધામાં સરકાર સબસીડી આપે છે, પણ એ મારા-તમારા જેવા લોકોના લાભાર્થે હોય છે. એટલે આપણે એનો વિરોધ કરતા નથી.’ રોજગાર યોજના કે ફુડ સિક્યોરિટીના અમલમાં ઘણાં ગાબડાં રહી જાય છે. પ્રો.સેન એ સ્વીકારે છે. ફુડ સિક્યોરિટી વિશેનો કાયદો સંસદમાં ચર્ચા કરીને આણવાને બદલે વટહુકમ તરીકે લાવવો પડે એ તેમને નાપસંદ છે. કારણ કે સંસદમાં ચર્ચાથી આ જોગવાઇમાં રહેલાં કેટલાંક ગાબડાં પુરી શકાયાં હોત. છતાં, ગરીબીનિવારણ માટેની સબસીડીની બાબતમાં પ્રો.સેન ‘આટલું પણ કોણ કરે છે?’ એવી વિચારસરણી ધરાવે છે. આ બાબતમાં બીજી સબસીડીઓનો વિરોધ ન થતો હોવાનો પ્રો.સેનનો મુદ્દો સાચો હોવા છતાં, ફક્ત એટલા કારણથી ફુડ સિક્યોરિટી માટેની અઢળક સબસિડી વાજબી ગણી શકાય?

ભાવનાનો પ્રશ્ન

કેવળ અર્થશાસ્ત્રની વાત હોય તો ઘણા મુદ્દે પ્રો.સેનના વિચાર વઘુ ભાવનાત્મક અને પ્રો.ભગવતીના વિચાર વઘુ તાર્કિક લાગે છે. (લખાણોમાં પ્રો.ભગવતી વઘુ અંગત અને કટુ જણાય છે) પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રીની વાત આવે ત્યારે પ્રો.ભગવતી અને તેમના સહયોગી પ્રો.પાનાગરિયા ભાવનાશીલ બની જતા લાગે છે. ગુજરાતની આર્થિક વૃદ્ધિની કેટલીક બાબતો પ્રો.સેને નમૂનેદાર ગણાવી છે અને કેટલીકની ટીકા કરી છે, પરંતુ પ્રો.ભગવતી-પ્રો.પાનાગરિયા ‘નરેન્દ્ર મોદી ઇકોનોમિક મોડેલ’નાં વખાણ કરીને એવું સૂચવે છે, જાણે મુખ્ય મંત્રી મોદી પાસે અર્થશાસ્ત્રનું કોઇ મૌલિક મોડેલ હોય- અને મોદી વડાપ્રધાન બને તો તેને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડી શકાવાનું હોય.

સબસિડીના પ્રખર વિરોધી અને ગરીબોને કેશ વાઉચર્સ દ્વારા સીધી આર્થિક મદદ મળવી જોઇએ, એવું માનનાર પ્રો.ભગવતી મુખ્ય મંત્રીના લોકરંજક આર્થિક નિર્ણયોને કેવી રીતે નજરઅંદાજ કરી શકે? (ખરું જોતાં આર્થિક નીતિની બાબતમાં યુપીએ-ભાજપ વચ્ચે પણ નહીંવત્‌ તફાવત છે.) મુખ્ય મંત્રી મોદીએ ડીઝલ સબસીડી દૂર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણના તે વિરોધી છે. કારણ કે આ બઘું ‘ઇટાલિયન વેપારીઓના લાભાર્થે’ હોવાનું તે માને છે. ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કરવાથી દેખીતો આર્થિક ફાયદો છે. છતાં ગુજરાતના મુખ્ય મંત્રી એ માટે રાજી નથી. સબસીડીનો વિરોધ તો બાજુ પર રહ્યો, મોદી ખેડૂતો માટે લોનમાં ૧૦૦ ટકા રાહત અને વીજળીના બિલમાં ૫૦ ટકા રાહતની જાહેરાત કરે છે. પ્રો.ભગવતી જેના કડક ટીકાકાર છે એ ગ્રામીણ રોજગાર યોજનાને ગુજરાતના મુખ્ય મંત્રીએ મજૂરીના દરમાં વધારા સાથે અમલી બનાવી છે. (મિહિર શર્મા, ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’) પરંતુ પ્રો.ભગવતીનું જૂથ આ હકીકતો અવગણે છે. એ કદાચ એવી આશા સેવતા હશે કે એક વાર મોદી વડાપ્રધાન બની જાય તો પછી તેમને સંપૂર્ણપણે પોતાના (ભગવતીના) માર્ગે વાળી શકાશે. વાસ્તવમાં, યુપીએ સરકારની આધાર કાર્ડ અને કેશ ટ્રાન્સ્ફરની યોજનાઓ પ્રો.ભગવતીના મોડેલમાં બરાબર બેસે એવી છે.

ભારતમાં ગરીબ અને અત્યંત ગરીબ એવા બે વર્ગ પાડવામા આવે તો, અત્યંત ગરીબોનું પ્રમાણ નિર્ણાયક રીતે ઘટ્યું છે અને એ વિવાદ નહીં, પણ આનંદની બાબત હોવી જોઇએ એવી દલીલ સ્વામિનાથન અંકલેસરિયા ઐયરે કરી હતી. આ સારા સમાચાર માટે પ્રો.સેનના મોડેલ પ્રમાણેની સરકારી યોજનાઓ જવાબદાર છે કે પ્રો.ભગવતીના મોડેલ સાથે મેળ ખાતી આર્થિક વૃદ્ધિ કારણભૂત છે, એ પણ ઉગ્ર વિવાદનો મુદ્દો છે.

સાર એટલો જ કે પ્રો.સેન અને પ્રો.ભગવતી વચ્ચેની કડવાશભરી ચર્ચામાં અર્થશાસ્ત્રીય વિચારભેદ જેટલી જ માત્રામાં વ્યક્તિગત ભાવનાશીલતા-આશાવાદ અને ગમા-અણગમા ભળેલા છે. એટલે કોઇ એક પક્ષ સાથે સંપૂર્ણ સંમતિ અઘરી બની જાય છે.